કોરોનાએ મદરેસાઓને મરણતોલ ફટકો માર્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી 
નાગપુર, તા. 6 : કોરોનાની પહેલી લહેર વખતે શહેરની ઘણી મદરેસાને અસર થઈ હતી, પણ બીજી લહેરે તો એમને મરણતોલ ફટકો માર્યો છે. લોકોની આર્થિક સ્થિતિ પણ બગડી હોવાથી મદરેસાઓને ડોનેશન મળવાના પણ બંધ થઈ ગયા છે. આ મદરેસાઓ અત્યારે કોરોના કાળમા ટકી રહેવા મથામણ કરી રહી છે. 
આ મદરેસાઓ છેલ્લાં એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ છે. બીજી લહેર પહેલા અમુક મદરેસા થોડો સમય માટે ખુલી હતી. જોકે બીજી લહેરને પગલે મદરેસાઓએ ક્લાસરૂમને તાળાં માર્યા હતા અને ઓનલાઈન શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. 
મદરેસાની ખરાબ આર્થિક હાલતને જોતાં દરેક મદરેસાના ચીફ તથા ટિચરો તાજેતરમાં ભેગા થયા હતા અને આ કપરા સમયમાં માર્ગ કેમ કાઢવો એની ચર્ચા કરી હતી. રાબતા-એ-મદરીસના નેજા હેઠળ આ માટિંગ થઈ હતી. અંદાજે 100 મદરેસા આ સંગઠનના મેમ્બર છે. આ સંગઠને પોતાની કોમના લોકોને આર્થિક મદદ કરવા માટે હાકલ કરી હતી. 
ચિતા કેમ્પ ખાતેની એક મદરેસાના ચીફે કહ્યું હતું કે લોકડાઉન પહેલા મારી મદરેસાનો ખર્ચ મહિને પાંચ લાખ હતો. એ વખતે લાઈટનું બીલ 95 હજાર આવતું હતું. હવે મદરેસા બંધ છે તો પણ પંચાવન હજાર જેટલું બીલ આવે છે. અમારા 4500 વિદ્યાર્થીઓ ઘરે બેઠાં છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિના સુધી અને 40 જેટલા કર્મચારીને નિયમિત વેતન આપ્યું છે. એ પછી તેમના પગારમાં કપાત કરવામાં આવી હતી. આને પગલે ઘણા શિક્ષકો તો પોતાના વતન પણ ચાલ્યા ગયા છે. 
ગ્રાન્ટ રોડની એક મદરેસાના વડાએ કહ્યું હતું કે મારી મદરેસામાં 24 શિક્ષકો છે અને તેમને વેતન આપવાનું કઠિન થઈ ગયું છે. અમુક દાતા પાસેથી મદદ ન મળી હોત તો મારી મદરેસા પર આફત આવી પડી હોત. મોટાભાગના અમારા દાતા આર્થિક મુશ્કેલીમાં છે અને તેમની પાસે દાન આપવા વધારાની રોકડ રકમ નથી. ઘણી મદરેસા અનામત ફંડને તોડીને કામકાજ ચલાવી રહી છે. આમા ડોંગરીની એક મદરેસાનો સમાવેશ છે. જોગેશ્વરીની મદરેસાના ડિરેક્ટરે કહ્યું હતું કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે એમાં મોટી મદરેસાઓ કદાચ તરી જાય, પણ નાની મદરેસાને તત્કાળ આર્થિક ટેકો નહીં મળે તો મરણતોલ ફટકો પડી શકે છે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer