ડોમિનિકા હાઈ કોર્ટમાં મેહુલ ચોક્સીનો દાવો હું ભાગેડું નથી, સારવાર માટે દેશ? છોડયો

નવી દિલ્હી, તા. 6 : ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીએ દાવો કર્યો હતો કે તેણે ડોમિનિકામાં ભારતીય અધિકારીઓને પોતાની પૂછતાછ માટે આમંત્રિત કર્યા છે. ચોકસીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે ભારત માત્ર સારવાર કરાવવા માટે છોડયું હતું. ઉલ્લેખનીય છે કે ચોકસીને ભારત લાવવામાં તમામ સમસ્યાઓ સામે આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે તેના પ્રત્યાર્પણમાં લાંબો સમય પણ થઈ શકે છે. ડોમિનિકા કોર્ટે મેહુલના મામલામાં સુનાવણી ટાળી નાખી છે અને તમામ તૈયારીઓ સાથે ગયેલા ભારતીય અધિકારીઓને પણ ખાલી હાથે ભારત પરત આવવું પડયું હતું. ડોમિનિકાની હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવિટમાં ચોકસીએ દાવો કરતાં કહ્યું હતું કે તે ભારતના કાયદાનું સન્માન કરે છે અને તેણે અધિકારીઓના ડર કે પોતાની સામે કોઈ તપાસના ભયથી દેશ છોડયો ન હતો. 62 વર્ષના ભાગેડુ હીરા કારોબારીએ એમ પણ કહ્યું હતું કે મેં ભારતીય અધિકારીઓને પૂછતાછ માટે આમંત્રિત કર્યા છે. જો તેઓ પોતાની તપાસના અનુસંધાને મારી પૂછપરછ કરવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. ચોકસીએ કહ્યું હતું કે મેં ભારતમાં કોઈ નિયમ તોડયો નથી. મારી વિરુદ્ધ કોઈ વોરંટ જારી થયું નથી. મેં જ્યારે ભારત છોડયું ત્યારે મારો ઉદ્દેશ્ય માત્ર સારવાર કરાવવાનો હતો. મેહુલે આઠ પાનાની સહી કરેલી એફિડેવિટ ડોમિનિકાની હાઈકોર્ટમાં દાખલ કરી છે.

Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer