ઘર-ઘર રાશન યોજના પર રાજકારણ

પીઝા-બર્ગર ઘેર પહોંચે તો રાશન કેમ નહીં : કેજરીવાલ
ભાજપે કહ્યું મોટું કૌભાંડ થતાં બચી ગયું
નવી દિલ્હી, તા. 6 : દિલ્હીમાં `ઘર ઘર રાશન' યોજના પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભાજપ તરફથી નેતા સંબિત પાત્રાએ રવિવારે પત્રકાર પરિષદ યોજી, એકમેક પર પ્રહારો કર્યા હતા.
કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, પીઝા-બર્ગની હોમ ડિલિવરી થઈ શકતી હોય, તો રાશનની કેમ નહીં ?
આવતા અઠવાડિયે ઘર-ઘર રાશન યોજના શરૂ થવાની હતી. લોકોને લાઈનોમાં ઊભીને ધક્કા ખાવા ન પડત, પરંતુ આપે અચાનક આ યોજના રોકી દીધી. શા માટે સર, તેવો સવાલ તેમણે કર્યો હતો.
કેન્દ્ર સરકાર પાસે અમે એક નહીં, પાંચવાર મંજૂરી માગી હતી, કાનૂની દૃષ્ટિએ કેન્દ્રની મંજૂરી માગવાની જરૂર નથી છતાં અમે શિષ્ટાચાર બતાવ્યો, તેવું કેજરીવાલે કહ્યું હતું.
હાઈકોર્ટે આ યોજના પર રોક નથી લગાવી તો આપ કેમ લગાવી શકો, આ દેશમાં પીઝા, બર્ગર, કપડાની હોમ ડિલિવરી થતી હોય, તો ઘરોમાં રાશન કેમ ન પહોંચાડી શકાય, તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો.
રાશન કેન્દ્રનું અને વાહવાહ કેજરીવાલ સરકાર લૂંટવા માગે છે, તેવું કેન્દ્રના સત્તાધીશો કહે છે, પરંતુ હું માત્ર રાષ્ટ્રહિતમાં ઈચ્છું છું. આ યોજના લાગુ કરવા દો, તેવું તેમણે ઉમેર્યું હતું.
ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય અન્ન સુરક્ષા કાયદો અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ જેવી યોજનાઓ મારફતે દિલ્હીમાં પણ જરૂરતમંદોને રાશન પહોંચાડાય છે.
કેજરીવલ પર પલટવારમાં પાત્રાએ કહ્યું કે, દિલ્હીમાં મોટું કૌભાંડ થતાં બચી ગયું. દિલ્હીની સરકારે વન નેશન-વન રાશન કાર્ડની કેન્દ્રની યોજના પર આગળ વધવાની ના પાડતાં હજારો મજૂરો રાશનથી વંચિત રહી ગયા, તેવા પ્રહારો પાત્રાએ કર્યા હતા.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer