મેટ્રો-ત્રણનો ખર્ચ 10,270 કરોડ વધીને 33,406 કરોડ સુધી પહોંચ્યો

મેટ્રો-ત્રણનો ખર્ચ 10,270 કરોડ વધીને 33,406 કરોડ સુધી પહોંચ્યો
ભૂમિ સંપાદન, ટનલ, સ્ટેશન અને ડેપોના ખર્ચમાં વધારો
મુંબઈ, તા. 6 : જેમ જેમ પરિયોજનાની કિમતમાં વધારો થઈ રહ્યો છે, આરેથી કાંજુરમાર્ગ કાર શેડ લઈ જવા માટે સત્તારૂઢ મહાવિકાસઆઘાડી સરકારની અક્ષમતાને કારણે સરકારી અધિકારીઓમાં બેચેની વધી 
રહી છે. 
મેટ્રો-ત્રણના પ્રકલ્પની 60 ટકા રકમ જાપાનની એજન્સી આપવાની છે પણ આ પ્રકલ્પના ખર્ચમાં થયેલા વધારાને કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળી નથી. તેથી તે એજન્સીએ ગત એક વર્ષથી નાણાં આપ્યા નથી. સ્ટેશનો, ટનલ, ટ્રેન, ડેપો, વીજ પુરવઠો અને ભૂમિ સંપાદન જેવા કામો માટે અગાઉ 23,136 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ તે 10,270 કરોડ જેટલો વધીને 33,406 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે.
ખર્ચમાં વધારા માટે વધારાનો રોલિગ સ્ટોક, ટનલ, સ્ટેશન, ડેપો, ભૂમિ સંપાદન, વધુ લીફ્ટ- એસ્કલેટર જેવી બાબતો કારણભૂત છે.
ગયા ડિસેમ્બર મહિનામાં કાંજુરમાર્ગની જમીનને હસ્તાંતર કરવાના લીધેલા નિર્ણય પર બૉમ્બે હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.ત્યારથી રાજ્ય સરકાર દ્વારા સ્ટે હટાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એમ સૂત્રએ જણાવ્યું હતું. હાઇકોર્ટે અંતિમ સુનાવણી માટે ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી., પરંતુ રાજ્ય સરકારે જવાબ આપવા માટે સમય માગતા કેસ માર્ચ સુધી મુલતવી રહ્યો. માર્ચ અને એપ્રિલ 2021 દરમિયાન પાંચ વખત કેસ હાઇકોર્ટમાં આવ્યો, પરંતુ જ્યારે પણ કેસ કોર્ટમાં આવે ત્યારે સરકાર વધુ સમયની માગણી કરતી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું. 
બીજી ફેબ્રુઆરીએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટીએ પણ સાર્વજાનિક પરિયોજનાને ભારે નુકસાની સહન કરવી પડતી હોવાથી સ્ટે હટાવવાની વિનંતી કરતી અરજી કરી હતી. 
અરજી કર્યા બાદ, એમએમઆરડીએ કેસની વહેલી સુનીવણી માટેનો આગ્રહ સેવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું. 
પ્રોજેક્ટમાં વિલંબ થતો હોવાથી એની કિંમતમાં પણ વિવિધ કારણોસર ભારે વધારો થઈ રહ્યો છે, એમાંનું એક કારણ છે કાર શેડનો વિવાદ. પ્રોજેક્ટનો મૂળ ખર્ચ દિલ્હી મેટ્રોના ભૂપ્રદેશના આધારે થવાનો હતો. પરંતુ પાછળથી જાણ થઈ કે મુંબઈનો ભૂપ્રદેશ અલગ જ છે, એમ અધિકારીએ જણાવ્યું.મેટ્રો 3 માટેની જમીન હસ્તગત કરવાની કિંમત પણ ઘણી વધી ગઈ. જમીન હસ્તગત કરવા માટેની મૂળલ અંદાજિત રકમ હતી 590 કરોડ રૂપિયા, જે વધીને 1483 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. 
કિમતમાં સૌથી વધુ વધારો થયો હોય તો એ ટનલના બાંધકામમાં. પ્રાથમિક બજેટ મુજબ ટનલના કામનો ખર્ચ 10,708 કરોડ રૂપિયા થવાનો હતો. પરંતુ નવો અંદાજિત ખર્ચ વધીને 18,711 કરોડડ રૂપિયા પર પહોંચી ગયો. આ વરસની શરૂઆતમાં ચીફ સેક્રેટરી સંજય કુમારના નેતૃત્ત્વ હેઠળની નવ સભ્યો ધરાવતી સરકારી પૅનલે જણાવ્યુ હતુ કે કાંજુરમાર્ગ ખાતે મેટ્રોનો ડેપો બનાવવામાં આવે તો જમીન અને બાંધકામના ખર્ડ પેટે 1580 કરોડ રૂપિયાની બચત થશે.રાજ્ય સરકાર દ્વારા નીમાયેલી કમિટીએ જણાવ્યુ હતુ કે આરે ખાતે માત્ર 30 રેક્સ સમાવી શકાશે જ્યારે કાંજુરમાર્ગ ખાતે 55 જેટલી રેક્સ સમાવી શકશે. 
પૅનલે સુપરત કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે કાંજુરમાર્ગ ખાતેના 41 હેક્ટરના પ્લૉટ પર મેટ્રો લાઇન્ 3, 4 અને 6ના કારર શેડ સંયુક્તપણે બનાવી શકાશે. 
20 પાનાંના અહેવાલમાં જણાવ્યુ હતું કે, જો કાંજુરમાર્ગ ખાતે સંયુક્ત ડેપોનું આયોજન કરવામાં આવે તો અલગ મેટ્રો લાઇનને યોગ્ય રીકે સાંકળી શકાશે. 
શિવસેનાના નેતૃત્ત્વ હેઠળની મોરચા સરકારે કાંજુરમાર્ગ 
સ્થિત પ્લૉટ માટે બીજી લડત પણ લડવી પડશે. બાંધકામ ક્ષેત્રની જાયન્ટ શાપુરજી પાલનજીએ ગારોડિયા પરિવાર સાથે મળી 500 એકર જમીન તેમની માલિકીનો હોવાનો દાવો કર્યો છે. 2016માં પહેલીવાર જ્યારે ટેન્ડર મગાવાયા ત્યારે, કિમત 2011ના આધારે અંદાજે 23,000 કરોડ રૂપિયા જેટલી હતી.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer