કોરોના : 60 દિવસે સૌથી ઓછા 1.14 લાખ દર્દી

કોરોના : 60 દિવસે સૌથી ઓછા 1.14 લાખ દર્દી
નવી દિલ્હી, તા. 6 : ભારતમાં રવિવારે 42 દિવસમાં સૌથી ઓછાં 2677 મોત કોરોનાથી થયાં હતાં, તો સક્રિય કેસો 15 લાખ નીચે ગયા છે અને આજે 60 દિવસમાં સૌથી ઓછા 1.14 લાખ નવા દર્દી ઉમેરાયા છે. દેશમાં 1,14,460 નવા કેસના વધારા બાદ કુલ્લ દર્દીઓનો આંક 2.88 કરોડને આંબી, બે કરોડ, 88 લાખ, 09,339 પર પહોંચી ગયો છે. દેશના વિવિધ ભાગોમાં રવિવારે વધુ 2677 દર્દીને કાળમુખો ભરખી જતાં કુલ્લ 3,46,759 દર્દી કોરોના સંક્રમણમાં જીવ ખોઈ ચૂક્યા છે.
ભારતમાં આજની તારીખે 14.77 લાખ જેટલા 14,77,799 દર્દી સારવાર હેઠળ છે. કેસોનું પ્રમાણ લગાતાર ઘટવાના કારણે કુલ્લ દર્દીઓની સંખ્યા સામે માત્ર 5.13 ટકા સક્રિય કેસો છે. દેશના વિવિધ ભાગોમાં 24 કલાક દરમ્યાન 1.89 લાખથી વધુ સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 2.69 કરોડથી વધુ, 2 કરોડ, 69 લાખ, 84,781 દર્દી સાજા થઈ ચૂક્યા છે. આજે સળંગ 24મા દિવસે નવા દર્દીઓ કરતાં સ્વસ્થ દર્દીઓની સંખ્યા ઊંચી રહેતાં સાજા થતા દર્દીઓનો દર અર્થાત રિકવરી રેટ લગાતાર વધતો રહીને 93.67 ટકા થઈ ગયો છે. આજે સળંગ 13મા દિવસે સંક્રમણ દર 10 ટકાથી નીચે, 5.62 ટકા રહ્યો હતો, તો સાપ્તાહિક સંક્રમણ દર પણ ઘટીને 6.54 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ્લ 36.47 કરોડથી વધુ થઈ ચૂક્યા છે.
ત્રીજી લહેરમાં બાળકોને ખતરો નહીં : નિષ્ણાતો
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ ખતરો છે, તેવી મીડિયા અને સોશિયલ મીડિયામાં થવા માંડેલી અટકળોથી ઉચાટ અનુભવતા માવતરો માટે થોડાક રાહતરૂપ સમાચારમાં આરોગ્ય જગતના તજજ્ઞો આ પ્રકારની અટકળોને નિરાધાર ગણાવી રહ્યા છે. જાહેર આરોગ્યના તજજ્ઞ ડો. ચંદ્રકાંત લહરિયા કહે છે કે, અત્યાર સુધી મળતા તમામ આધાર, પુરાવા મુજબ તો શૂન્યથી 18 વર્ષના બાળકોને ઘણો ઓછો ખતરો છે.
સિંગાપોરમાં શાળાઓ બંધ કરાઇ તો ભારતમાં તેને પુરાવો માનીને નવા સ્ટ્રેનની અસર બાળકો પર વધુ થશે તેવી અટકળો  પ્રબળ બનવા માંડી.
પરંતુ ઉપલબ્ધ આંકડા પર નજર કરીએ તો તસવીર સાફ થાય છે. બંને લહેરોમાં મળીને હોસ્પિટલમાં દાખલ થયેલામાંથી માત્ર 2.5 ટકા શૂન્યથી 18 વર્ષના હતા. દુનિયાના કોઇપણ ખૂણામાં એવા પુરાવા નથી મળતા કે ત્રીજી અથવા ત્યારબાદની કોઇ લહેરમાં બાળકોને અસર થશે.
ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રીક્સ (આઇએપી)એ પણ બાળકોને ખતરાની વાત નકારી દીધી છે. ઉપરાંત બાળકોમાં કોરોના અંગે રાહતની વાત એ છે કે, તેમની સારવાર સરળતાથી થઇ શકે છે. રાજ્ય સરકારોએ મહામારી સામે લડવા 
માટે અટકળો નહીં, પરંતુ વૈજ્ઞાનિકોની સલાહ પર ધ્યાન આપવું પડશે.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer