મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન

મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન
ગુજરાત, રાજસ્થાનમાં વરસાદની આગાહી
નવી દિલ્હી, તા. 6 : કેરળ બાદ મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. નેઋત્યનાં ચોમાસાનાં કારણે રાજ્યના અમુક દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે જ્યારે હવામાન વિભાગના કહેવા પ્રમાણે 15 જૂન સુધીમાં ચોમાસું, ઓરિસ્સા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અમુક હિસ્સા અને બિહારમાં પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના માનવા પ્રમાણે ગુજરાત, રાજસ્થાન અને યુપીના ઘણા હિસ્સામાં રવિવારે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં શનિવારે પહોંચેલા ચોમાસાનાં કારણે અમુક તટીય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 10 દિવસમાં બિહાર અને બંગાળના અમુક ભાગ, ઝારખંડ અને ઓરિસ્સા સુધી ચોમાસું પહોંચવાની સંભાવના છે. ચોમાસું મધ્ય અરબ સાગર, પૂરા તટીય કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના અમુક હિસ્સા, કર્ણાટકના મોટાભાગના વિસ્તાર, તેલંગણ અને આંધ્રપ્રદેશના અમુક ભાગ, તમિલનાડુ અને મધ્યબંગાળની ખાડી સુધી પહોંચી ગયું છે. જો કે સોમવારે અને મંગળવારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. વિભાગના રાષ્ટ્રીય કેન્દ્રના રાજેન્દ્ર જેનામણીના કહેવા પ્રમાણે 11 જૂન સુધી બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. જે ચોમાસાને આગળ વધારવામાં મદદ કરશે. 
ચોમાસાનાં કારણે શનિવારે કર્ણાટકના ઘણા હિસ્સામાં વરસાદ થયો હતો. વિભાગે આગામી 24 કલાકમાં કેરળ અને તમિલનાડુ સાથે કર્ણાટકમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે જ્યારે હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના કહેવા પ્રમાણે પૂર્વોત્તર ભારત, કેરળ, તટીય કર્ણાટક અને તમિલનાડુના અલગ અલગ હિસ્સામાં મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ અને ગોવા, ગુજરાત, દક્ષિણ પૂર્વ રાજસ્થાન, તેલંગણ અને રાયલસીમામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તટીય આંધ્રપ્રદેશ, શેષ મધ્યપ્રદેશ, સિક્કિમ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer