મુંબઈમાં આજથી અનલૉક

મુંબઈમાં આજથી અનલૉક
બજારો વધુ બે કલાક ખુલી રહેશે, વેપારીઓને રાહત
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન મુજબ સોમવારથી મુંબઈમાં પણ અનલૉકની શરૂઆત થવાની છે. રાજ્ય સરકારે અનલૉકની પ્રક્રિયા માટે પાંચ શ્રેણી તૈયાર કરી છે તેમાં મુંબઈને કોરોના પૉઝિટિવિટી રેટ અને અૉક્સિજન બેડ પર રહેલા દરદીઓની સંખ્યાના માપદંડના આધારે ત્રીજી શ્રેણીમાં મુકાયું છે.
આ શ્રેણી અંતર્ગત બજારો બે કલાક વધુ સમય ખુલી રહેશે અને બેસ્ટની બસમાં તમામ બેઠકો સાથે પ્રવાસની છૂટ મળી છે. મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં માત્ર અત્યાવશ્યક સેવાક્ષેત્રના કર્મચારીઓને જ પ્રવાસ કરવાનો છે.
સરકારે કોરોનાના કેસોમાં ઘટાડો થતા ગયા અઠવાડિયે દુકાનો ખુલી રાખવાનો સમય સવારે સાતથી અગિયાર વાગ્યા સુધીનો હતો એ બપોરે બે વાગ્યા સુધીનો કર્યો હતો. સોમવારથી બજારો અને દુકાનો ખુલ્લી રાખવાનો સમય ચાર વાગ્યા સુધીનો કરાયો છે. બેસ્ટની બસમાં પચાસ ટકા પ્રવાસીઓને છૂટ હતી એ સોમવારથી સો ટકા કરાશે અર્થાત એક સીટ પર હવેથી બે પ્રવાસી બેસી શકશે.
દુકાનો ખોલવાના સમયમાં બે કલાક વધારાથી વેપારી વર્ગને થોડી રાહત મળી છે એવો પ્રતિભાવ વેપારીવર્ગ તરફથી મળ્યો છે. જોકે અનાવશ્યક ચીજવસ્તુઓની દુકાનો શનિ-રવિમાં બંધ રહેશે એનો વેપારીઓમાં કચવાટ છે અને મૉલ તેમ જ થિયેટરો પણ બંધ રહેશે. જોકે રેસ્ટોરાંમાં પચાસ ટકા ગ્રાહકોને ભોજનની છૂટ અપાઈ છે તેથી આ ક્ષેત્રને પણ રાહતનો અનુભવ થશે.
નિયંત્રણો હળવા કરવા એ ગણતરીપૂર્વકનું જોખમ
ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં મુખ્ય પ્રધાને કહ્યું
મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાના ઉપદ્રવને અંકુશમાં લેવા મૂકવામાં આવેલી બંધીને હળવી કરવા પાછળ ગણતરીપૂર્વકનું જોખમ લઈ રહી છે એમ જણાવીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકોને પોતાની સારસંભળ લેવાનો અનુરોધ કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ આજે ઉદ્યોગપતિઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે કોરોના અંગે લાદવામાં આવેલા નિયંત્રણો શિથિલ કરવા પાછળ સરકાર ગણતરીપૂર્વકનું જોખમ લઈ રહી છે. તેથી લોકોએ પણ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ બાબત તત્કાળ શિથિલ થવાની નથી. કેટલાક માપદંડ અને સ્તરો નક્કી કરવામાં આવ્યા છે. લૉકડાઉન જેવા નિયંત્રણો શિથિલ કરવા કે પછી વધુ આકરાં કરવા તેનો નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ લેવાનો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના બધા નિયંત્રણો છતાં ઔદ્યોગિક ક્ષેત્ર અવિરતપણે ચાલુ હતું એવું ઉદાહરણ આપણે દેશ સમક્ષ રજૂ કરવાનું છે. કોરોના સામે આપણે ઝૂકી જવાનું નથી. આપણને લૉકડાઉનની જરૂર નથી અને આપણે વાયરસ સામે પરાજિત પણ થવાનું નથી. તેના માટે આપણે આરોગ્ય સંબંધી બધા નિયમોનું પાલન કરવાનું છે. કોરોનાની ત્રીજી લહેર આવે અને આપણે લૉકડાઉન કરવું પડે તો પણ ઉત્પાદન ક્ષેત્ર ઉપર તેની અસર પડવી જોઈએ નહીં. ઉદ્યોગોએ તેની જગ્યામાં કર્મચારીઓ અને કામદારો માટે રહેવાની કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તે માટેનું આયોજન અત્યારથી જ શરૂ થવું જોઈએ એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં આગેવાન ઉદ્યોગપતિઓ ઉદય કોટક, સંજીવ બજાજ, બી. થીયાગરાજન, અજય પીરામલ, નૌશાદ ફોર્બસ, અમિત કલ્યાણ, અશોક હિન્દુજા, એ.એન. સુબ્રહમણ્યમ, હર્ષ ગોએન્કા અને નિરંજન હીરાનંદાની ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાના ટાસ્ક ફોર્સના સભ્યો સંજય ઓક અને શશાંક જોશી પણ હાજર હતા.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાના ઉપદ્રવની તીવ્રતા માપવા પોઝિટિવિટી રેટ અને અૉક્સિજનના બિછાનાની ઓક્યુપન્સી ગણવાના માપદંડ નક્કી કરવાની બાબતને ઉદ્યોગપતિઓએ આવકાર આપ્યો હતો.
ઉદ્યોગપતિઓએ કોરોના અંગે જાગૃતિ આણવાનું સૂચવીને ગ્રામ્યવિસ્તારોમાં તેનો ફેલાવો રોકવામાં મદદ કરવાની અૉફર કરી હતી. ઉદ્યોગપતિઓએ બિનસંગઠિત ક્ષેત્રના સભ્યોને રસી આપવાની તેમ જ આઈટી ક્ષેત્રને ઘરેથી કામ કરવાની છૂટ આપવાની વિનંતી મુખ્ય પ્રધાનને કરી હતી.
Published on: Mon, 07 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer