અમેરિકામાં રોજગારી ઘટવા છતાં સોના-ચાંદીમાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 7 : ડોલરના સુધારાએ સોનાની સલામત રોકાણ માટેની માગ ઘટાડી નાંખતા સતત બીજા સેશનમાં ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. ન્યૂયોર્કમાં 1886 ડોલરની સપાટીએ સોનું રનીંગ હતુ. ગયા અઠવાડિયામાં સોનાનો ભાવ 1900 ડોલરનું મથાળું વટાવી ગયો ત્યારે તેજી આગળ ચાલશે તેવું જણાતું હતુ પણ ડોલર અને બોન્ડ યીલ્ડના સુધારાથી સોનું ફરી ઝાંખું પડી ગયું છે. લાંબાગાળે સોનાનું ભાવિ સારું છે પણ અત્યારે બજાર અથડાઇ રહી છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધ સાનનો ભાવ 10 ગ્રામે રુ. 160ના ઘટાડામાં રુ. 50070 અને મુંબઇમાં રુ. 228 વધીને રુ. 48806 હતો. ચાંદી ન્યૂયોર્કમાં 27.60 ડોલર હતી. રાજકોટમાં એક કિલોનો ભાવ રુ.100ના ઘટાડામાં રુ. 71000 અને મુંબઇમાં રુ. 583 વધી જતા રુ. 70750 રહી હતી. 
વિષ્લેષકો કહે છેકે, અમેરિકામાં અપેક્ષિત નોકરીઓ સર્જાઇ નથી છતાં ડોલર અને બોન્ડમાં સુધારો છે એ કારણે સોનું નરમ બોલાય છે. ચાર્ટીસ્ટો એમ કહે છે, બોન્ડ યીલ્ડમાં તીવ્ર આંચકો આપતો ઘટાડો જોવા મળે તો સોનાના ભાવમાં પ્રિગ જેવો ઉછાળો આવી શકે છે. અમેરિકાનો જોબ ડેટા નબળો આવવાને લીધે રોકાણકારો એ સમજી ગયા છેકે હવે વ્યાજદરમાં અમેરિકા દ્વારા તત્કાળ મોટાં ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે. સોમવારે 10 વર્ષના બોન્ડ યીલ્ડ 1.6 ટકાની નીચે હતા. જે એક અઠવાડિયાની નીચલી સપાટી છે. બીજી તરફ ચીનમાં મે મહિના દરમિયાન આયાત પાછલા દસ વર્ષમાં સૌથી વધારે થઇ છે. કોમોડિટીના ભાવમાં વધારો થવાને લીધે ચીને આયાત ખૂબ કરી છે. નિકાસનો દર ઘટ્યો છે. 
ચાલુ સપ્તાહમાં અમેરિકામાં કન્ઝ્યુમર પ્રાઇસ સપોર્ટ અને યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણાનીતિની બેઠક અંગેના પરિણામો આવવાના છે. રોકાણકારોનું ધ્યાન હવે એ તરફ છે.કેટલાક રોકાણકારો હજુ ફુગાવા સામે હેજરુપે સોનાની ખરીદી કરવા ઇચ્છે છે. ડેમોક્રેટસ દ્વારા ચાલુ સપ્તાહમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ રજૂ કરવામાં આવનાર છે. એના ઉપર મતદાન થશે. રિપબ્લિકનનો ટેકો મળે કે ન મળે બિલ પસાર કરાવવા ડેમોક્રેટસ તૈયાર છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer