રેસ્ટોરન્ટ અને દુકાનદારોને ખાસ વકરો થવાની અપેક્ષા નથી

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર અને દિલ્હીમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં રેસ્ટોરન્ટ માલિકો અને દુકાનદારોને વિશેષ ધંધો થવાની અપેક્ષા નથી. 
મુંબઈમાં કામકાજના દિવસોએ 50 ટકા ક્ષમતાએ સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે. જ્યારે વીએન્ડ (શનિવાર-રવિવાર)એ ફક્ત હોમ ડિલિવરી કે હોટેલમાં જઈને પાર્સલ લઈ શકાશે.
દિલ્હીમાં બજારો ઓડ-ઈવન ધોરણે સવારે 10 વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. કૉન્ફોડેરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સના સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, દિલ્હીમાં મોટા ભાગના વેપારીઓ ઓડ-ઈવન ફૉર્મ્યુલાની વિરુદ્ધ છે. ગ્રાહકોને ખબર જ નહીં હોય કે દુકાન ખુલ્લી હશે કે નહીં. 
ઈમ્પ્રેસેરિયો એન્ટરટેઈનમેન્ટ ઍન્ડ હૉસ્પિટાલિટીના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર રિયાઝ અમલાનીએ કહ્યું કે, કંપનીની અમુક રેસ્ટોરાં સોમવારથી ફરી ખૂલશે. મુંબઈમાં અમારી વીસ રેસ્ટોરાં છે. જેનો સમય અવ્યવહારું છે. સામાન્ય રીતે આવક સાંજના સમયે થતી હોય છે. પરિણામે અમે ફક્ત પાંચથી છ રેસ્ટોરાંને ખોલી છે. તબક્કાવાર અમે બાકીની શરૂ કરીશું. 
દિલ્હીમાં દારૂનું વેચાણ ઓડ-ઈવન ધોરણે કરી શકાશે પરંતુ જિમ, સ્પા, સલૂન, બાર અને નાસ્તાની દુકાનો બંધ રહેશે. જ્યારે મુંબઈમાં આ તમામ પ્રકારના એકમો ખૂલી શકશે, પરંતુ ફક્ત 50 ટકા ક્ષમતાથી જ. 
સોમવારે 20થી 25 ટકા નાસ્તાની હોટેલો શરૂ થવાનો અંદાજ હતો. બ્યુટી અને વેલનેસ માર્કેટમાં પણ આવી જ પરિસ્થિતિ છે. ફેડરેશન અૉફ હોટેલ ઍન્ડ રેસ્ટોરન્ટ ઍસોસિયેશન્સ અૉફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ ગુરબક્ષિસ સિંહ કોહલીએ કહ્યું કે, સમય નિયંત્રણ અનુકુળ નથી. ગયા વર્ષે પણ ક્ષમતા સંબંધિત નિયંત્રણો હતાં, પરંતુ આ વખતે સમય નિયંત્રણ પડકારરૂપ છે. શનિ-રવિએ બધું બંધ રહેશે. અમને આશા છે કે રેસ્ટોરન્ટ માટે સરકાર વધુ છૂટછાટ આપશે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer