ડીએચએફએલ ખરીદવા માટે પિરામલ ગ્રુપના પ્લાનને મંજૂરી

ડીએચએફએલ ખરીદવા માટે પિરામલ ગ્રુપના પ્લાનને મંજૂરી
પિરામલ જૂથે રૂ 37,250 કરોડ ચૂકવવા માટે અૉફર કર્યા
મુંબઈ, તા. 7 : નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઇ બૅન્ચે પિરામલ ગ્રુપ દ્વારા દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) માટે રજૂ કરેલા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. જોકે, એપેલેટ ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં આ સામે અપીલ થાય તો તેના ચુકાદા ઉપર આજની મંજૂરીની માન્યતા નક્કી થશે.
પિરામલ જૂથે રૂ 37,250 કરોડ તેના રિઝોલ્યુશન પ્લાન હેઠળ ચૂકવવા માટે અૉફર કર્યા છે. આ પ્લાનને આરબીઆઇ અને કમિટી ઓફ ક્રેડિટર્સ (સીઓસી) તેમ જ કમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ) આ અગાઉ મંજૂરી આપી દીધી છે. સમગ્ર પ્લાન હેઠળ કંપનીએ રૂ 12,700 કરોડ રોકડા ચૂકવવાની તૈયારી દર્શાવી છે.
એનસીએલટીએ સીઓસીને નાના રોકાણકારો અને ફિક્સ્ડ ડિપોઝિટ ધારકો માટે વધુ નાણાં ફાળવવાની માગણી કરી હતી પરંતુ અંતિમ નિર્ણય સીઓસી ઉપર છોડયો છે.
ડીએચએલએફ માટે રિઝોલ્યુશન પ્લાનને એનસીએલટીએ માન્યતા આપી હોવાથી અમને આનંદ થયો છે. આ પહેલાં 94 ટકા ધિરાણદારો અને આરબીઆઇએ આ યોજનાને માન્યતા આપી હોવાથી અમારી આર્થિક સદ્ધરતા અને બીડ કરવાની ગુણવત્તા સિદ્ધ થઇ છે, એમ પિરામલ ગ્રુપે એક નિવેદન દ્વારા પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું.
ડીએચએલએફના તત્કાલીન પ્રમોટર કપિલ વાધવાને એનસીએલએટીના ચુકાદા સામે સ્ટે મેળવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં એનસીએલટીએ વાધવાનની સેટલમેન્ટની અરજીના આધારે સ્ટે આપ્યો હતો. વાધવાને પોતાની અરજી વિશે વિચારણા કરવા માટે સીઓસીને આદેશ આપવા જણાવ્યું હતું. આ ચુકાદા સામે ધિરાણદાર બૅન્કો, ડીએચએલએફ માટે આરબીઆઇ દ્વારા નિયુક્ત વહીવટદાર 
અને પિરામલ ગ્રુપે એનસીએલએટીમાં ગયા મે મહિનામાં અપીલ કરી હતી. એનસીએલએટીએ અરજદારોની માગણી મંજૂર કરી એનસીએલટીના આદેશ સામે મનાઇ હુકમ ફરમાવ્યો હતો.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer