ઓ માય ગૉડ-ટુમાં અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠી સાથે યામી ગૌતમ

ઓ માય ગૉડ-ટુમાં અક્ષયકુમાર અને પંકજ ત્રિપાઠી સાથે યામી ગૌતમ
અશ્વિન વર્દે નિર્મિત અને પરેશ રાવલ અક્ષયકુમાર અભિનીત ઓ માય ગૉડ (ઓએમજી) ફિલ્મની સિકવલ ઓ માય ગૉડ - ટુની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અક્ષય તો કૃષ્ણ ભગવાનની ભૂમિકા  ભજવશે જ પરંતુ પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠીને લેવામાં આવ્યો છે. જ્યારે નાયિકાના પાત્રમાં યામી ગૌતમ હશે. સિકવલની વાર્તામાં નાયિકાની ભૂમિકા મહત્ત્વની હશે. મૂળ ફિલ્મમાં પરેશ રાવલનું પાત્ર કેન્દ્રમાં હતું જે ઈશ્વર વિરુદ્ધ લડતો હતો. જ્યારે આ વખતે ત્રણે કલાકારો અક્ષય, પંકજ અને યામીનું પાત્ર મહત્ત્વનું હશે. ફિલ્મના પ્રથમ ભાગનું દિગ્દર્શન ઉમેશ શુકલએ કર્યું હતું જ્યારે બીજી ફિલ્મનું દિગ્દર્શન અમિત રાય કરશે જેણે અગાઉ રૉડ ટુ સંગમ દિગ્દર્શિત કરી હતી. ઉપરાંત અમિતે સેનેટરી નેપ્કિન્સ પરની શોર્ટ ફિલ્મ આઈ પેડનું પણ દિગ્દર્શન કર્યું હતું જેના પછી અક્ષયની ફિલ્મ પેડમૅનની પ્રેરણા લેવામાં આવી હતી. અક્ષય અમિતને સારી રીતે ઓળખે છે. ઓએમજી-ટુનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થશે. અમિતે જણાવ્યું હતું કે, માત્ર બ્રાન્ડને ખાતર ઓએમજી બનાવવી હોત તો અત્યાર સુધીમાં પાંચ ઓએમજી બની ગઈ હોત, પરંતુ સારી વાર્તા મળે પછી જ આ ફિલ્મ બનાવવી એવું નિર્માતાએ નક્કી કર્યું હતું આથી આટલાં વર્ષો નીકળી ગયાં.
નોંધનીય છે કે, યામીએ હાલમાં જ ઊરીના દિગ્દર્શક આદિત્ય ધાર સાથે લગ્ન કર્યાં છે અને ઓએમજી-ટુ લગ્ન બાદની પ્રથમ ફિલ્મ હશે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer