સેરેના ફ્રૅન્ચ અૉપનમાંથી આઉટ : યુવા ગોફ કવાર્ટરમાં

સેરેના ફ્રૅન્ચ અૉપનમાંથી આઉટ : યુવા ગોફ કવાર્ટરમાં
મેદવેદેવ અને જ્વેરેવ અંતિમ આઠમાં પહોંચ્યા
પેરિસ, તા. 7 : દિગ્ગજ અમેરિકી ખેલાડી સેરેના વિલિયમ્સનું 23મો ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવાનું સપનું ફરી તૂટયું છે. 39 વર્ષીય સેરેના પ્રી. કવાર્ટર ફાઇનલ મેચમાં કઝાકિસ્તાનની ખેલાડી એલિના રિબાંકા સામે 3-6 અને 5-7થી હારીને ફ્રેંચ ઓપનની બહાર થઇ ગઇ છે. જયારે પુરુષ વિભાગમાં રૂસી ખેલાડી ડેનિયલ મેદવેદેવ અને જર્મન ખેલાડી એલેકઝાંડર જ્વેરેવ કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
પેરિસમાં ત્રણ વખત ચેમ્પિયન થનાર સેરેના વિલિયમ્સ આ વખતે ખિતાબની પ્રબળ દાવેદાર હતી, પણ તે ચોથા રાઉન્ડથી આગળ વધી શકી નથી. બીજી તરફ રિબાંકા પહેલીવાર કોઇ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. મહિલા વર્ગમાં રશિયાની અનાસ્તાસિયા, સ્લોવેનિયાની તમારા જિદાનસેક અને પાઉલા બાડોસે કવાર્ટરમાં જગ્યા બનાવી છે. અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફ ફ્રેંચ ઓપનમાં પહેલીવાર અંતિમ આઠમાં પહોંચી છે. 17 વર્ષીય અમેરિકી સનસનીએ આજે ચોથા રાઉન્ડમાં ટયૂનિશિયાની એન્સ જેબ્યોરને 6-3 અને 6-1થી હાર આપી હતી. પુરુષ વિભાગમાં નંબર બે રશિયાના ખેલાડી મેદવેદેવે ક્રિસ્ટીયન ગારિન સામે 6-2, 6-1 અને 7-પથી જીત મેળવીને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. જર્મન ખેલાડી જ્વેરેવે આજે જાપાની ખેલાડી ખેલાડી કાઇ નિશિકોરીને 6-4, 6-1 અને 6-1થી હાર આપીને કવાર્ટર ફાઇનલમાં આગેકૂચ કરી હતી. પાંચમા નંબરના ગ્રીસના ખેલાડી સિટસિપાસ પણ કવાર્ટરમાં પહોંચી ગયો છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer