નિરાશ કુલદીપને શ્રીલંકાના પ્રવાસમાં મોકો મળવાની આશા

નિરાશ કુલદીપને શ્રીલંકાના પ્રવાસમાં મોકો મળવાની આશા
ભારતીય ટીમની બહાર થવાથી દુ:ખી હોવાની વાત ચાઇનામેન બોલરે સ્વીકારી
નવી દિલ્હી, તા.7: ચાઇનામેન બોલર કુલદિપ યાદવને આગામી શ્રીલંકા પ્રવાસની ભારતની લીમીટેડ ઓવર્સની ટીમમાં પસંદ થવાની આશા છે. કુલદિપનો ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો નથી. કુલદિપે આજે એક મુલાકાતમાં જણાવ્યું કે હું ઈંગ્લેન્ડ ગયો નથી, આથી મને લાગે છે કે શ્રીલંકામાં રમવાનો મને મોકો મળશે. ક્રિકેટ સતત ચાલ્યા કરે છે. જ્યારે ખેલાડી ટીમની બહાર થાય ત્યારે દુ:ખ થાય છે. બધા ટીમમાં ટકી રહેવા માંગતા હોય છે પણ કયારેક પરિસ્થિતિ એવી સર્જાય છે કે આપ ટીમનો હિસ્સો રહેતા નથી. કુલદિપ યાદવ તેની કેરિયરમાં 7 ટેસ્ટ મેચ, 63 વન ડે અને 21 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. 2019ના વર્લ્ડ કપ બાદથી તે સતત ટીમની અંદર-બહાર થતો રહે છે. હવે તે ટીમમાં પડતો મુકાયો છે. આઇપીએલમાં પણ તેને કેકેઆર તરફથી બહુ મોકા મળતા નથી.
કુલદિપે સ્વીકાર્યું કે ભારતીય ટીમની બહાર થવાથી હું ઘણો જ દુ:ખી છું. હું મારા પ્રદર્શનથી ટીમને જીત અપાવવા માંગુ છું. આવું મેં કર્યું પણ છે, પણ તમારે એ જ વખતે આગળના મોકા માટે તૈયાર રહેવું પડે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ભારતીય ટીમ 13થી 27 જુલાઇ દરમિયાન શ્રીલંકાના પ્રવાસે જશે. જ્યાં શ્રીલંકા વિરૂધ્ધ ત્રણ-ત્રણ મેચની વન ડે અને ટી-20 શ્રેણી રમશે. આ સમયે કપ્તાન કોહલી અને સ્ટાર રોહિત સહિતના તમામ ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં હશે. આથી અનેક યુવા-અનુભવી ખેલાડીઓને તક મળવાની સંભાવના છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer