ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ ટીમનો સામનો કરવાનો શાનદાર મોકો : વિલિયમ્સન

ફાઇનલમાં સર્વશ્રેષ્ઠ ટીમનો સામનો કરવાનો શાનદાર મોકો : વિલિયમ્સન
બાઉન્સર સ્પેશિયાલિસ્ટ વેગનરને ભારત સામેની ફાઇનલમાં મહત્ત્વનો ખેલાડી ગણાવતો કિવી સુકાની
લંડન, તા.7: બન્ને મેદાન પર કસોકસના હરીફ છે, પણ બન્ને મેદાન બહાર બન્ને બહુ સારા મિત્ર છે. આથી ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને લાગી રહ્યંુ છે કે 18 જૂનથી સાઉથમ્પટન ખાતે રમાનાર ડબ્લ્યૂટીસીના ફાઇનલ માટે ભારતીય કપ્તાન વિરાટ કોહલી સાથે ટોસ ઉછાળવો શાનદાર અનુભવ હશે. કોહલી અને વિલિયમ્સન બન્ને પોતાના સુકાનીપદ હેઠળ પ્રતિષ્ઠિત આઇસીસી ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમ પાસે સંગીન બોલિંગ-બેટિંગ લાઇનઅપ છે.
વિલિયમ્સનને જ્યારે ભારતીય કપ્તાન વિરૂધ્ધ 2008 અન્ડર-19ના દિવસોથી ચાલી આવતી પ્રતિસ્પર્ધા વિશે સવાલ થયો તો તેણે કહ્યંુ કે અમે જુદા જુદા સ્તરે અને સ્પર્ધાઓમાં એક-બીજા વિરૂધ્ધ રમ્યા છીએ. આથી એક-બીજાને સારી રીતે જાણીએ છીએ. આથી મેદાનમાં સાથે ઉતરવું, ટોસ કરવો અને ફાઇનલમાં એક-બીજાથી મળવું શાનદાર અનુભવ બની રહેશે. વિલિયમ્સને સ્વીકાર્યું કે ભારતીય બોલિંગ મજબૂત છે. હું તેમને હાલની ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની ઐતિહાસિક શ્રેણી જીતથી વાકેફ છું.
તે નિશ્ચિત રીતે એક શ્રેષ્ઠ ટીમ છે. ખાસ કરીને તેમનો ઝડપી અને સ્પિન બોલિંગ વિભાગ ઘણો મજબૂત છે. તે આથી જ નંબર વન ક્રમાંક પર છે. ફાઇનલમાં એક સર્વશ્રેષ્ઠ ટીમનો સામનો કરવાનો અમારી પાસે શાનદાર મોકો છે.
વિલિયમ્સનના મગજમાં ડયૂક બોલથી રમવાનું અને વરસાદની સંભવાના  છે. તેને આશા છે કે સાઉથમ્પટનની પિચ પર ફાઇનલમાં ઘાસ હશે. હાલ ઇલેવન વિશે વિચારતા નથી. પરિસ્થિતિ અનુસાર તે બધું નક્કી થશે. સાતમા નંબરના ઓલરાઉન્ડરને પસંદ કરવા પર વિલિયમ્સને કહ્યંુ તેનું બાદમાં આકલન કરશું. કિવિ કપ્તાનનનું માનવું છે કે ફાઇનલમાં બાઉન્સર વિશેષજ્ઞ બોલર નીલ વેગનારની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. તેની પાસે લાંબા સ્પેલ કરવાની અને દબાણ બનાવવાની ક્ષમતા છે. જેના લીધે તે ઇન્ટરનેશનલ લેવલ પર આટલો સફળ રહ્યો છે. તે અમારી ટીમનો મહત્ત્વનો સદસ્ય છે. તેનું ટીમમાં હોવું શાનદાર છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer