કોરોના : દેશમાં 61 દિવસે સૌથી ઓછા એક લાખ દરદી; 45 દિવસે મૃત્યુ આંક ઘટીને 2427

નવી દિલ્હી, તા. 7 : કોરોના સંક્રમણ ઘટવા માંડતાં દેશના વિવિધ ભાગોમાં `અનલોક'ની શરૂઆત થવા માંડી છે, આજે 61 દિવસમાં સૌથી ઓછા એક લાખ નવા દર્દી નોંધાયા હતા, તો 45 દિવસમાં સૌથી ઓછાં 2427 મોત થયાં  હતાં.
ભારતમાં 24 કલાક દરમ્યાન 1,00,636 નવા દર્દી ઉમેરાતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.89 કરોડને આંબી, બે કરોડ, 89 લાખ, 09,975 થઇ ગઇ છે, તો વધુ 2427 સંક્રમિતો `કોરોનાનો કોળિયો' બનતાં કુલ્લ 3,49,186 મોત થઇ ચૂકયાં છે.
દેશમાં સારવાર લઇ રહેલા સંક્રમિતોની સંખ્યામાં પણ રોજ સવાર ઊગે અને ઘટાડો થવા માંડયો છે, આજની તારીખે 14,01,609 દર્દી ઇલાજ હેઠળ છે.
આમ લગાતાર કેસોમાં ઘટાડાનાં પગલે કુલ્લ સંક્રમિતોની સંખ્યાની તુલનામાં સક્રિય કેસોનું પ્રમાણ પાંચ ટકા નીચે. 4.85 ટકા થઇ ગયું છે.
ભારતના વિવિધ ભાગોમાં સોમવારે વધુ પોણા બે લાખ નજીક, 1,74,399 સંક્રમિતો મહામારીમાંથી મુક્ત થતાં કુલ્લ 2.71 કરોડથી વધુ  બે કરોડ, 71 લાખ, 59,180 દર્દી સાજા થઇ ચૂકયા છે.
દેશમાં આજે નવા દર્દી   કરતાં વધુ 73,763 સંક્રમિતો સાજા થયા હતા. આમ, દર્દી સાજા થવાનો દર અર્થાત રિકવરી રેટ વધીને 93.94 ટકા થઇ ગયો છે.
રોજના મૃત્યુની સંખ્યામાં થોડોક ઘટાડો થયો છે, પરંતુ કોરોનાથી થતાં મૃત્યુનો દર વધીને 1.21 ટકા થઇ ગયો છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) દ્વારા મળતી માહિતી મુજબ કુલ્લ 36.63 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચૂકયા છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer