પાલિકાની રસીકરણ ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવાની વેપારીઓએ તૈયારી દેખાડી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : રસીકરણની ઝુંબેશને વેગ આપવાના ઈરાદે વેપારીઓને એમાં સામેલ થવાની મુંબઈ પાલિકાની અૉફરનું  વિવિધ વેપારી સંગઠનોએ સ્વાગત કર્યું છે. 
આ વેપારી સંગઠનોમાં કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ, ફેડરેશન અૉફ મહારાષ્ટ્ર સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશન, મેવા મસાલા ઍસોસિએશન, પેપર ઍન્ડ પૅકેજિંગ ઍસોસિયેશન તથા તળમુંબઈનાં વિવિધ વેપારી સંગઠનનો સમાવેશ છે. 
મુંબઈ પાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને લખેલા પત્રમાં ફેડરેશન અૉફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મેન્યુફેકચરર્સ ઍન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ પારસ શાહ, ચૅરમૅન અમૃત શાહ, સેક્રેટરી કિશોર કેનિયા અને ઍડવાઈઝરી બોર્ડના જયેશ જરીવાલાએ કહ્યું છે કે રસી માટે અમે પાલિકાના રસીકેન્દ્રમાં વેપારી, કર્મચારીઓને લઈ આવીશું અને પાલિકાને એ માટે સ્વયંસેવક જોઈતા હશે તો એની પણ વ્યવસ્થા કરીશું. 
મુંબઈ પાલિકાના `બી' વૉર્ડના શોપ્સ ઍન્ડ એસ્ટાબ્લિશમેન્ટના અધિકારી રાજુ ખૈરનારે વેપારીઓને રસીકરણ ઝુંબેશને વેગ આપવા માટે વેપારી સંગઠનોનો સંપર્ક સાધીને વિનંતી કરી હતી. તેના પગલે વિવિધ વેપારી સંગઠનોએ પાલિકાની રસીકરણની ઝુંબેશમાં સક્રિય સાથ આપવાની તૈયારી દેખાડી છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer