ચીની કોરોના રસી પાકિસ્તાન માટે મુસીબત બની

ઇસ્લામાબાદ, તા. 7 : ચીનની કોરોના વૅક્સિન પાકિસ્તાન માટે પરેશાની બની રહી છે. હજ યાત્રા કે રોજગાર માટે સાઉદી અરેબિયા કે ખાડી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ)માં જવા ઇચ્છતા ચીની રસી લીધેલા પાકિસ્તાની નાગરિકોને વિઝા નથી મળતા, કેમ કે ખાડી દેશો અને સાઉદી અરેબિયામાં ચીની વૅક્સિન લેનારાઓને પ્રવેશ નથી અપાતો. પાકિસ્તાનના નાગરિકો આ માટે ઇમરાન ખાન સરકાર સામે તડાપીટ બોલાવી રહ્યા છે. લોકોનો રોષ જોઇને પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રશિદે આજે જણાવ્યું હતું કે વડા પ્રધાન ઇમરાન ખાન આ મુદ્દે ખાડી દેશો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. 
રશિદે રવિવારે જાહેરમાં કબૂલ્યું હતું કે ચીની વૅક્સિન લેનારા પાકિસ્તાનીઓને સાઉદી અરેબિયા અને ખાડી દેશો વિઝા નથી આપી રહ્યા. આપણા માટે આ ચિંતાનો વિષય છે, પરંતુ હવે એનો રસ્તો વિચારવામાં આવી રહ્યો છે. પ્રધાનમંડળની બેઠકમાં વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે તેઓ આ મામલે સંબંધિત દેશો સાથે વાતચીત કરી રહ્યા છે. 
હકકીતમાં ખાડી દેશો અને સાઉદી અરેબિયા સહિતના દુનિયાના કેટલાય દેશોએ ચીનની કોરોના સામેની સાઇનોફાર્મ અને સાઇનોવૅક્સ વૅક્સિનને માન્યતા કે મંજૂરી આપેલી નથી. ચીને પહેલા પાકિસ્તાનને 10 લાખ વૅક્સિનના ડૉઝ મફતમાં આપી બાદમાં લાખો ડૉઝ ખરીદવાના કરાર કર્યા છે. પાકિસ્તાનના હજારો લોકો દર વર્ષે હજ યાત્રા તેમ જ રોજગાર માટે ખાડી દેશોમાં જાય છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાની મહામારી અને લૉકડાઉનના પગલે લાખો લોકો આ દેશોમાંથી સ્વદેશ પરત આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ઓછો થતા હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કે રોજગાર અથવા કામચલાઉ વસવાટ માટે વૅક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત છે. પાકિસ્તાની નાગરિકોએ કોરોના સામે રક્ષણ માટે ચીની રસી તો લીધી, પરંતુ આવા નાગરિકોને હવે વિઝા નથી મળતા.
પાકિસ્તાનના કેટલાય નાગરિકો વિવિધ મંચ પરથી આ મુદ્દે ઇમરાન ખાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચીનની વૅક્સિનને દુનિયાના અન્ય કોઇ દેશોએ મંજૂરી કે સ્વીકૃતિ નથી આપી તો ઇમરાન સરકારે આ વૅક્સિન ખરીદી શા માટે? સાઉદી અરૅબિયા અને અન્ય ખાડી દેશોએ અત્યાર સુધીમાં ફાઇઝર, ઍસ્ટ્રાજેનેકા, મૉડર્ના અને જૉન્સન ઍન્ડ જૉન્સનની વૅક્સિનને મંજૂરી આપેલી છે.
જોકે, પાકિસ્તાને કેટલાક ડૉઝ રશિયાની સ્પૂતનિક-વીના પણ ખરીદ્યા છે, પરંતુ અમેરિકા કે બ્રિટનની કોઇ કોરોના રસી ખરીદવાના કરાર પાકિસ્તાને નથી કર્યા એથી લોકોમાં રોષ ફેલાયો છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer