અનલૉકના પહેલા દિવસે જ ભીડ

મુંબઈ અને દિલ્હીમાં બેદરકારી
નવી દિલ્હી, તા. 7 : ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને મહારાષ્ટ્રમાં સોમવારથી લૉકડાઉનમાં રાહત આપવામાં આવી છે. યુપીમાં માત્ર ચાર જિલ્લા બાકી છે, જ્યાં આકરું લૉકડાઉન છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના કેસને ધ્યાને લઈને રાહત આપવામાં આવી છે. આંશિક લૉકડાઉન હજી છે પણ ઘણી ગતિવિધિઓને છૂટ મળવાથી સડકો ઉપર ભીડ જોવા મળી છે. જેની તસવીરો સામે આવવાથી વડા પ્રધાન  મોદીની ચિંતામાં પણ વધારો થયો હશે. તેઓ વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે છૂટ મળવાથી બેદરકારી દાખવવામાં ન આવે.
દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ ઉપર પ્રવાસી શ્રમિકોની નોંધપાત્ર ભીડ રહી હતી. લૉકડાઉન ખુલતા  જ રોજીરોટીની તલાશમાં તેઓ દિલ્હી પરત ફર્યા હતા. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગનો દાયરો તૂટતો જોવા મળી રહ્યો હતો. દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અનલૉક થયું હોવા છતાં પણ લોકોએ સાવધાની રાખવી જોઈએ. લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે બિમારીની અસર ભલે ઓછી થઈ હોય પણ બિમારી હજી પણ યથાવત છે. બીજી તરફ મુંબઈના તમામ બસ સ્ટોપે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય જોવા મળ્યું નહોતું. મુંબઈમાં હજુ લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસની છૂટ નથી.
બજારોમાં ભીડ હતી અને હળવા વરસાદી ઝાપટાં વચ્ચે મુંબઈના તમામ રોડ-રસ્તા પર ભારે ટ્રાફિક જૅમ રહ્યો હતો. મુંબઈમાં સાંજે ચાર વાગ્યા સુધી બજારો ખૂલી રાખવાની છૂટ મળી છે. તેમાં આટલી ભીડ ચિંતાજનક હોવાનું જાણકારોનું કહેવું છે. લોકો સંયમ જાળવશે તો જ કોરોના સામેની લડાઈ જીતી શકાશે, એમ નિષ્ણાતોનું કહેવું છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer