દિલ્હી ઍરપોર્ટ પર ટૅક્સીબોટે 1000 ફેરીથી લાખો રૂપિયાનું ઇંધણ બચાવ્યું

દિલ્હી ઍરપોર્ટ પર ટૅક્સીબોટે 1000 ફેરીથી લાખો રૂપિયાનું ઇંધણ બચાવ્યું
રાજેન્દ્ર વોરા તરફથી
નવી દિલ્હી, તા. 7  : દિલ્હી ઈન્ટરનેશનલ ઍરપોર્ટ લિ. (ડીઆઈએએલ) ઈઝરાયલ નિર્મિત ટૅક્સીબોટ મેળવનારું પ્રથમ ઍરપોર્ટ બન્યું હતું. ટૅક્સીબોટ એક સ્વતંત્ર વાહન છે જે વિમાનને એન્જિન શરૂ ર્ક્યા વગર પાર્કિંગ-વેથી રન-વે સુધી પહોંચવામાં મદદ કરે છે. આ વાહનને કારણે કોઈ પણ ઍરલાઈન્સના વિમાનને ટૉ કરીને પાર્કિંગ-વેથી રન-વે સુધી પહોંચાડી શકાય છે. ડીઆઈએએલએ ટૅક્સીબોટની 1000 મુવમેન્ટ (ફેરા) પૂરી કરી હોવાનું જાહેર ર્ક્યું છે. આ ટેકનૉલૉજી અપનાવવાને કારણે ફ્લાઈટ દીઠ લગભગ 213 લિટર ઍવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)-ઈંધણની બચત થાય છે. 
બે વર્ષ પહેલાં શરૂ થયેલા ટૅક્સીબોટના ઉપયોગને કારણે કાર્બન ઉત્સર્જન 532 ટન જેટલું ઘટાડવામાં મદદ મળી છે અને 2.1 લાખ લિટર જેટલું વિમાન ઈંધણ (એટીએફ) બચાવી શકાયું છે.
ડીઆઈએએલના સીઈઓ વિદેહકુમાર જયપુરિયારે જણાવ્યું હતું કે દિલ્હી ઍરપોર્ટ, પર્યાવરણલક્ષી પહેલ કરનારા વિશ્વના અગ્રણી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટમાંથી એક છે. ટૅક્સીબોટના ઉપયોગથી કાર્બન ઉત્સર્જન ઘટવાને કારણે દિલ્હી ઍરપોર્ટ પર્યાવરણને અનુકૂળ સંસ્થા તરીકે સ્થાપિત થઈ છે. એ ડીઆઈએએલ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક વિમાન વ્યવહાર ક્ષેત્રે પણ સીમાચિહ્નરૂપ પગલું છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer