ચોપાટી સહિત શહેરમાં પહેરો ભરવા માટે અત્યાધુનિક એટીવી વૅન

ચોપાટી સહિત શહેરમાં પહેરો ભરવા માટે અત્યાધુનિક એટીવી વૅન
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભેટ અપાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : શહેરના નાગરિકો અને પર્યટકોની સુરક્ષા મોબાઇલ વૅન દ્વારા કરતી મુંબઈ પોલીસની ટુકડીને, ખાસ કરીને ચોપાટી પર ફરજ બજાવનાર પોલીસોને સુસજ્જ અને અત્યાધુનિક સાધનોથી સજ્જ એટીવી (અૉલ ટિરેન વેહિકલ) વાહનો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલની ઉપસ્થિતિમાં  સોંપવામાં આવ્યાં હતાં. 
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરાયેલા આ વાહનોમાંથી દસ વાહન આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે સુપરત કરાયાં હતાં. 
મહારાષ્ટ્ર સરકારના સહ્યાદ્રી અતિથિગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ પ્રધાન તથા મુંબઇ ઉપનગર જિલ્લાનાપાલક પ્રધાન આદિત્ય ઠાકરે, વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢા, મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાળે, જોઇન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે-પાટીલ ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશનના શિરીન કોતવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
એટીવી વૅન જમીન, રેતી, કાદવવાળા વિસ્તાર સહિત કોઈ પણ પ્રકારની સપાટી પર ચલાવી શકાય છે. 570 સીસી જેવી ઉચ્ચતમ ક્ષમતા ધરાવતા હોવાથી એટલે એ વેગવાન પણ છે. ચોપાટી વિસ્તારમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે અને વૅનમાં ચાર જણ બેસી શકે છે. કટોકટીના સમયે વાહનમાંના ફ્લાટિંગ હૂક્સનો પણ ઉપયોગ કરી શકાય છે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer