હૅન્કોક પુલની પુન:બાંધણી માટેનું બીજું ગર્ડર બેસાડવાનું કામ પૂર્ણ

હૅન્કોક પુલની પુન:બાંધણી માટેનું બીજું ગર્ડર બેસાડવાનું કામ પૂર્ણ
મઝગાંવ અને ડોંગરીને જોડતા
મુંબઈ, તા 7 : મઝગાંવ અને ડોંગરીને જોડતા હૅન્કોક બ્રિજને ફરી બાંધવાના મહત્ત્વપૂર્ણ તબક્કો ગણાતા બીજા ગર્ડરને બેસાડવાનું કામ મહાનગરપાલિકાએ રવિવારે પૂરું કર્યું હતું. આ પડકારજનક અને મહત્ત્વનો તબક્કો પૂરો થતાં પુલને ફરી બાંધવાના કામને વેગ મળશે. 
આ હૅન્કોક પુલ 2016માં મધ્ય રેલવેએ તોડ્યો હતો. આ પુલને ફરી બાંધવાનું કામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) પી. વેલારાસુના માર્ગદર્શન હેઠળ પાલિકાના અન્ય અધિકારીઓ પુલને પુન:બાંધણીની કાર્યવાહી કરી રહ્યા છે. 
હૅન્કોક બ્રિજના બાંધકામનો પહેલા તબક્કમાં પહેલું ગર્ડર જુલાઈ 2020માં મૂકવામાં આવ્યા બાદ જાન્યુઆરી 2021માં જનતા માટે ફૂટપાથ ખોલવામાં આવી હતી. બીજા તબક્કામાં લગભગ 675 મેટ્રિક ટન વજનનું ગર્ડર મહાપાલિકા અને રેલવેના અધિકારીઓએ સમન્વય સાધી રવિવારે મૂકવામાં આવ્યું હતું. 
બીજા ગર્ડરનું કામ પૂરું થતાં પુલને ફરી બાંધવાના કાર્યને વેગ મળશે. આ પુલને જોડતા રસ્તાનું કામ, ઉપલબ્ધ રસ્તાની પહોળાઈ સહિતના કામોને વહેલી તકે હાથ ધરાશે.

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer