લૉકડાઉન જેવા નિયમોમાંથી છૂટ મળતાં થાણે અને નવી મુંબઈના વેપારીઓમાં ખુશીની લહેર

લૉકડાઉન જેવા નિયમોમાંથી છૂટ મળતાં થાણે અને નવી મુંબઈના વેપારીઓમાં ખુશીની લહેર
થાણે, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારના અનલૉકના પ્લાન મુજબ લેવલ-2માં મુકાયેલા થાણે અને નવી મુંબઈમાં સોમવારથી બિનઆવશ્યક અને અન્ય વ્યાપારી સંકુલોને ફરી ખોલવાની અનુમતી મળતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 
જાહેર સ્થળોએ લોકોની અવરજવર વધી છે પણ તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સાથે માસ્ક પહેરવા જેવા કોવિડના નિયમોનું પાલન કરી રહ્યા છે. 
થાણે અને નવી મુંબઈમાં જાહેર પરિવહનની બસો રસ્તા પર દોડી રહી છે પણ એમાં ભીડ જોવા મળતી નથી. 
મહારાષ્ટ્ર સરકારે કોરોનાની બીજી લહેરને પગલે મુકાયેલા પ્રતિબંધોમાં રાહત આપવા શુક્રવારે અઠવાડિક પોઝિટિવિટી રેટ અને અૉક્સિજન બેડની ઉપલબ્ધતાના આધારે પાંચ સ્તરીય પ્લાનની જાહેરાત કરી હતી. 
લેવલ-2 કેટેગરીમાં, શહેર કે જિલ્લામાં પોઝિટિવિટી રેટ પાંચ ટકા અને અૉક્સિજન બેડ 25થી 40 ટકા ભરાયેલા હોય, ત્યાં આવશ્ય અને બિનઆવશ્યક વસ્તુઓની દુકાનો નિયમિત સમય મુજબ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ મૉલ્સ, થિયેટર, મલ્ટિપ્લેક્ષ, અૉડિટોરિયમ અને રેસ્ટોરાંને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની અનુમતિ અપાઈ છે. 
સરકારના આદેશ મુજબ જાહેર સ્થળો અને ખાનગી અૉફિસો ખોલી શકાશે. સામાજિક અને રાજકીય કાર્યક્રમો પચાસ ટકા ક્ષમતાથી યોજી શકાશે. 
થાણેની મુખ્ય બજારમાં કરિયાણાની દુકાન ધરાવતા પ્રાણલાલ ઠક્કરે જણાવ્યુ કે, સરકારે અમને ઘણી મોટી રાહત આપી છે અને અમે ખાત્રી આપીએ છીએ કે અમારી પોતાની અને ગ્રાહકોની સુરક્ષા માટે અમે કોવિડ-19ના તમામ નિયમોનું પાલન કરશું. 
સવારે ઘણી અૉફિસો અને વ્યાપારી સંકુલો ખૂલ્યા નહોતા કારણ લોકોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી. 
પાલિકા પ્રશાસન અને પોલીસ બજારની ચહલપહલ અને જાહેર સ્થળો પર ધ્યાન રાખી રહી હતી જેથી આદેશનું કડકાઈપૂર્વક પાલન થઈ શકે. 
થાણેના કલ્યાણ, ભિવંડી, મીરા-ભાયંદર, ઉલ્હાસનગર અને પડોશના પાલઘર જિલ્લાના વસઈ-વિરાર હજુ લેવલ-3માં છે. અહીં પોઝિટિવિટી રેટ હજુ 5થી 10 ટકા જેટલો છે અને અૉક્સિજન બેડની ઓક્યુપન્સી હજુ 40 ટકા કરતા વધુ છે. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer