કમાલ ખાન સામે બદનક્ષીનો ખટલો શરૂ કરવા સલમાને કોર્ટમાં અરજી કરી

કમાલ ખાન સામે બદનક્ષીનો ખટલો શરૂ કરવા સલમાને કોર્ટમાં અરજી કરી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 7 : બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને અભિનેતા કમાલ આર. ખાન સામે બદનક્ષીનો ખટલો શરૂ કરવાની માગણી કરતી અરજી સોમવારે સેશન્સ કોર્ટમાં આપી હતી. અરજીમાં સલમાને કહ્યું હતું કે કમાલ ખાને બદનક્ષીભર્યા નિવેદનો ન કરવાની કોર્ટમાં ખાતરી આપી એ બાદ પણ તે આવા નિવેદનો કરી રહ્યો છે. 
સલમાન ખાને સેશન્સ કોર્ટમાં કમાલ ખાન સામે બદનક્ષીનો કેસ કર્યો છે. કેસમાં આ અરજી સોમવારે આપવામાં આવી હતી. સલમાન ખાને તેની ફિલ્મો, પ્રોજેક્ટો, વેપારી સાહસો વિશે કમાલ ખાન પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપે કોઈ બદનક્ષીભર્યા નિવેદનો, વીડિયો અપલોડ ન કરે એ માટે તેના પર રોક લગાવવા ડિફેમેશનનો કેસ કર્યો છે. 
ગયા મહિને આ કેસની સુનાવણી થઈ ત્યારે કમાલ ખાનના વકીલે એવી ખાતરી આપી હતી કે મારો અસીલ (કમાલ ખાન) કેસની સુનાવણીની આગલી તારીખ સુધી સલમાન ખાન સામે કોઈ બદનક્ષીભર્યા નિવેદનો પોસ્ટ  નહીં કરે.
કમાલ ખાને સલમાનની લેટેસ્ટ ફિલ્મ રાધેનો રિવ્યુ કર્યો એને લઈને આ બદનક્ષીનો કેસ ફાઈલ કરાયો છે. 
સેશન્સ જજે ખટલો શરૂ કરવા વિશે બન્ને પક્ષની દલીલો સાંભળી હતી અને કેસની સુનાવણીની આગામી તારીખ 11 જૂન નક્કી કરી હતી. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer