21 જૂનથી દેશભરમાં નિ:શુલ્ક રસીકરણ

21 જૂનથી દેશભરમાં નિ:શુલ્ક રસીકરણ
વડા પ્રધાન મોદીની ઘોષણા
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 7 : કોરોના સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે રાષ્ટ્રજોગા પ્રવચનમાં મહત્ત્વનું એલાન કર્યું હતું કે યોગ દિવસ એટલે કે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ભારત સરકાર દ્વારા મફત રસી આપવામાં આવશે. મોદીએ એલાન કર્યું હતું કે રાજ્યો પાસેથી રસીકરણનું કામ પરત લેવામાં આવશે અને હવે કેન્દ્ર સરકાર દ્વારા જ રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક મહત્ત્વના એલાનમાં નવેમ્બર 2021 સુધી એટલે કે દિવાળી સુધી દેશના 80 કરોડ લોકોને મફત રૅશન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે પણ આવી યોજના ચલાવી હતી. મોદીએ કહ્યું હતું કે, કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ફરી સંકટ પેદા થયું છે. જેને લઈને સરકારે મફત રૅશનની યોજના લંબાવી છે.
વર્તમાન સમયમાં રસીકરણની 50 ટકા કામગીરી કેન્દ્ર સરકાર, 25 ટકા રાજ્ય સરકારો અને 25 ટકા પ્રાઈવેટ સેક્ટરના હાથમાં હતી. હવે વેક્સિનનો 75 ટકા હિસ્સો કેન્દ્ર સરકારને અને 25 ટકા હિસ્સો પ્રાઈવેટ સેક્ટરને મળશે. વડા પ્રધાને કહ્યું હતું કે, હવે દેશના કોઈપણ રાજ્યને વેક્સિન માટે કોઈ ખર્ચ કરવો પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને મફત રસી મળી છે. હવે 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર જ મફત રસી ઉપલબ્ધ કરાવશે. 
મોદીએ કહ્યું હતું કે, દેશમાં બની રહેલી રસીમાંથી 25 ટકા પ્રાઈવેટ સેક્ટરની હોસ્પિટલો સીધી ખરીદી શકશે. આ વ્યવસ્થા જારી રહેશે. વેક્સિન નિર્ધારિત કિંમતના ઉપરાંત એક ડૉઝ ઉપર વધુમાં વધુ 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ લઈ શકાશે. જેની દેખરેખની કામગીરી રાજ્ય સરકાર પાસે રહેશે. 
પોતાના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર સામે દેશની લડાઈ જારી છે. દુનિયાના ઘણા દેશોની જેમ ભારત પણ ઘણી પીડામાંથી પસાર થયું છે. ઘણા લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. આવા તમામ પરિવારો માટે સંવેદના છે. કોરોના રસીને લઈને ફેલાતા ભ્રમ મુદ્દે મોદીએ કહ્યું હતું કે, કોઈપણ અફવાને ધ્યાને લેવામાં ન આવે અને નિવેદનોને પણ અવગણવામાં આવે. દરેક લોકો રસીકરણ કરાવે. સમાજના પ્રબુદ્ધ લોકો સામાન્ય લોકોને રસી લેવા માટે અપીલ કરે.
મોદીએ કહ્યું હતું કે, આવી મહામારી છેલ્લા 100 વર્ષમાં આવી નથી. દેશે ઘણા મોરચે એકસાથે લડાઈ લડી છે. ગયા દોઢ વર્ષમાં હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં આવ્યું છે. મેડિકલ ઓક્સિજનની આટલી અછત ક્યારેય થઈ નથી. જેના માટે સેનાની ત્રણેય પાંખને કામગીરી સોંપવામાં આવી હતી અને દુનિયાના દરેક ખુણાથી જે કંઈ થઈ શકે તેમ હતું તે કરવામાં આવ્યું છે.
મોદીએ કહ્યું હતું કે કોરોના સામે સૌથી અસરકારક હથિયાર કોવિડના પ્રોટોકોલ છે અને વેક્સિન સુરક્ષા કવચ છે. દુનિયાના ઘણા દેશોમાં રસીની માગ વધુ છે અને રસી બનાવતી કંપની ઓછી છે. ભારત પાસે જો પોતાની રસી ન હોત તો કંઈ થઈ શકે તેમ નહોતું અને પરિસ્થિતિ પણ અલગ જ હોત. ગયા 50-60 વર્ષનો ઈતિહાસ કહે છે કે દુનિયામાં રસી આવવાના ઘણા વર્ષો બાદ ભારતને રસી મળતી હતી.
મોદીએ કહ્યું હતું કે વેક્સિનેશનનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે અને અત્યાર સુધી 23 કરોડ ડૉઝ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વેક્સિનની સપ્લાઈ વધવાની છે. દેશમાં 7 કંપનીઓ ઉત્પાદન કરી રહી છે. ત્રણ વેક્સિનનું પરીક્ષણ એડવાન્સ સ્ટેજમાં છે. બીજા દેશોમાંથી ખરીદીની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી છે. તેમ જ દેશમાં નેઝલ વેક્સિન ઉપર પણ રિસર્ચ થઈ રહ્યું છે. જેને સીરિંજને બદલે નાકથી સ્પ્રે કરવામાં આવશે.
વડાપ્રધાને વિપક્ષના સવાલનો જવાબ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોનાના કેસ ઘટવા લાગતા સવાલ ઉઠતા હતા કે દરેક નિર્ણય કેન્દ્ર શું કામ કરે.  લોકડાઉન લાદવાનો હક રાજ્યને આપવામાં આવે. રાજ્ય સરકારોની માગ સ્વીકારતા કેન્દ્રએ આ અધિકાર આપ્યો હતો. ત્યાર બાદ રસીકરણમાં ઉંમરની મર્યાદા, વૃદ્ધોને પ્રાથમિકતાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. રાજ્યોએ દબાણ કર્યું તો 25 ટકા કામગીરી રાજ્ય સરકારોને સોંપવામાં આવી હતી. તેઓએ પોતપોતાના સ્તરે કામ કર્યું હતું. રાજ્યોને ખ્યાલ આવ્યો કે રસીની સ્થિતિ શું છે. આ દરમિયાન બીજી લહેર આવી. જેના પરિણામે રસીકરણની કામગીરી રાજ્યોને સોંપવામાં આવે તેવું કહેતા લોકોના વિચાર પણ બદલવા લાગ્યા હતા. 

Published on: Tue, 08 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer