અનલૉકમાં જુનૈદ ખાનની મહારાજા થી ફિલ્મ શૂટિંગની શરૂઆત

અનલૉકમાં જુનૈદ ખાનની મહારાજા થી ફિલ્મ શૂટિંગની શરૂઆત
મહારાષ્ટ્ર સરકારે અનલોકની જાહેરાત કર્યા બાદ ફિલ્મ અને ટેલિવિઝન શૂટિંગને બાયો બબલમાં આઠ કલાક સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. યશરાજ બેનરની ફિલ્મ મહારાજા અનલોક બાદ શૂટિંગ શરૂ કરનારી પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મ દ્વારા આમિર ખાનનો પુત્ર જુનૈદ બૉલીવૂડમાં પ્રવેશ કરશે. સિદ્ધાર્થ મલહોત્રા દિગ્દર્શિત આ ફિલ્મનો સેટ મરોલમાં ઊભો કરવામાં આવ્યો છે. નિર્માતા આદિત્ય ચોપરાએ જ શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને એકસોથી અધિક ક્રૂ સભ્યોએ જેમણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. ઓછામાં ઓછા લોકો સાથે શૂટિંગ કરવામાં આવશે. મુખ્ય કલાકારો સાથે 25 જુનિયર આર્ટિસ્ટ અને પ્રોડકશન ટીમના કેટલાક સભ્યો જોડાશે. 1862ના મહારાજા કેસ પર આધારિત આ ફિલ્મમાં ધાર્મિક સંપ્રદાયના વડા દ્વારા મહિલાઓના થતાં જાતીય શોષણનો એક અખબારે કરેલા પર્દાફાશની વાર્તા છે. ફિલ્મમાં જુનૈદ પત્રકર કરસનદાસ મૂળજીનું પાત્ર ભજવે છે જયારે તેની સાથે શાલિની પાંડે, શર્વણી વાઘ, અને જયદીપ અહલાવત પણ છે. આ ફિલ્મનું શૂટિંગ ગત 15 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં  આવ્યું હતું પરંતુ કોરોનાની બીજી લહેરને લીધે અટકાવવામાં આવ્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer