સુપરસ્ટાર મેસીથી આગળ થતો ભારતીય સ્ટ્રાઇકર સુનીલ છેત્રી

સુપરસ્ટાર મેસીથી આગળ થતો ભારતીય સ્ટ્રાઇકર સુનીલ છેત્રી
દોહા, તા.8: ભારતીય ફૂટબોલ ટીમના ચમત્કારિક સ્ટ્રાઇકર સુનિલ છેત્રી આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનલ મેસ્સીને પાછળ રાખીને સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ કરનાર સક્રિય ખેલાડીઓની સૂચિમાં બીજાં સ્થાને આવી ગયો છે. છેત્રીથી આગળ ફક્ત પોર્ટૂગલનો સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જ છે.
36 વર્ષીય સુનિલ છેત્રીએ સોમવારે ફીફા વર્લ્ડ કપ-2022 અને એએફસી એશિયન કપ-2023ના સંયુક્ત ક્વોલીફાઇંગ મેચમાં બંગલાદેશ વિરુદ્ધ ભારત તરફથી બન્ને ગોલ કર્યા હતા. આથી તેના કુલ ઇન્ટરનેશનલ ગોલની સંખ્યા 74 થઈ ગઈ છે. વિશ્વ કપ ક્વોલીફાયરમાં ભારતની પાછલાં 6 વર્ષમાં પહેલી જીતના નાયક છેત્રી સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ કરનારા સક્રિય ખેલાડીઓની સૂચિમાં હવે ફક્ત રોનાલ્ડો (103)થી જ પાછળ છે. છેત્રી હવે મેસ્સીથી બે અને યુએઇના ખેલાડી અલી મબખૌતથી એક ગોલ આગળ છે. મબખૌત 73 ઇન્ટરનેશનલ ગોલ સાથે સૂચિમાં ત્રીજા નંબરે છે.
મેસ્સીએ ગત સપ્તાહે ચિલી વિરુદ્ધ વિશ્વ કપ કવોલીફાયર મેચમાં તેનો 72મો ઇન્ટરનેશનલ ગોલ કર્યો હતો જ્યારે મનખૌતે મલેશિયા સામેના મેચમાં તેના ગોલની સંખ્યા વધારી હતી. 
છેત્રીએ સોમવારે બંગલાદેશ સામેના મેચમાં ભારત તરફથી 79મી મિનિટે અને પછી ઇન્જરી ટાઇમમાં ગોલ કર્યા હતા. આથી ભારતની જીત સુનિશ્ચિત થઈ હતી. ભારતીય કપ્તાન છેત્રી હવે સૌથી વધુ ઇન્ટરનેશનલ ગોલની સર્વકાલિન સૂચિમાં ટોચના 10માં પહોંચવા માટે ફક્ત એક ગોલ જ પાછળ છે. હંગેરીના સેંડો કોકસિસ, જાપાનના કુકિશિગે કમામોતો અને કુવૈતનો સ્ટ્રાઇકર બાશર અબ્દુલાહથી એક ગોલ પાછળ છે. આ ત્રણેયનાં નામે 75 ગોલ છે.
બંગલાદેશ સામેની જીતથી ભારતના સાત મેચમાં છ અંક થયા છે અને ગ્રુપ ઇમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. ભારતનો હવે પછીનો મેચ 15 જૂને અફઘાનિસ્તાન સામે છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer