છત્રી મોંઘી થવા છતાં ભાવ વધ્યા નથી

છત્રી મોંઘી થવા છતાં ભાવ વધ્યા નથી
રિટેલ દુકાનદારો ખરીદી માટે બજાર સુધી પહોંચી શકતા નથી
દેવચંદ છેડા તરફથી
મુંબઈ, તા. 8 :  કોરોના મહામારીની ગયા વર્ષની પ્રથમ લહેરમાં છત્રીની સિઝન નિષ્ફળ ગઈ હતી તેમ આ વર્ષની બીજી લહેરમાં પણ તે નબળી ચાલી રહી છે. સરકારે છત્રી - રેઈનકોટના ઉત્પાદનને આવશ્યક સેવાની યાદીમાં મૂક્યાં હોવાથી ઉત્પાદન લૉકડાઉનમાં પણ ચાલુ રહ્યું, પણ તે અડધું જ થયું છે.
મુંબઈમાં લૉકડાઉનમાં આ મહિનાથી છૂટછાટ આપી છૂટક દુકાનો બપોરે ચાર વાગ્યા સુધી ખૂલી રહેતી હોવાથી બજારમાં છત્રીનું 20થી 25 ટકા વેચાણ થઈ રહ્યું છે. પણ લૉકલ ટ્રેન અને બસ જેવી જાહેર પરિવહન સેવા તમામ માટે ઉપલબ્ધ નહીં હોવાથી છૂટક દુકાનદારો બજાર સુધી  પહોંચી શકતા નથી. મુંબઈ `સી' વૉર્ડમાં હનુમાન ગલી, કોલભાટ લેન, પ્રિન્સેસ સ્ટ્રીટમાં જથ્થાબંધ વેપારની જે 50થી 60 દુકાનો છે તે અત્યારે સવારના 9થી બપોરના ચાર વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
જેન્ટ્સ અને લેડીઝ ટુ ફોલ્ડ છત્રીના જથ્થાબંધ ભાવ રૂા. 150થી 300 છે જ્યારે ચિલ્ડ્રન અમ્બ્રેલાના રૂા. 100થી 200 છે. થ્રી ફોલ્ડ જેન્ટ્સ અને લેડીઝ અમ્બ્રેલાના ભાવ રૂા. 200થી 350 સુધીના છે. સ્કૂલો બંધ હોવાથી ચિલ્ડ્રન અમ્બ્રેલાની માગ ઓછી છે.
લોંગ અમ્બ્રેલામાં ઈકોનોમી રેન્જના ભાવ રૂા. 100થી 200 છે, જ્યારે ફેન્સીના રૂા. 300થી 500 છે.
છત્રીની આયાત નહિવત્ થઈ છે. કોરોના મહામારીના કારણે છત્રીના વેપારીઓ બે વર્ષથી ચીન જઈ શક્યા નથી. આથી છત્રી બજારમાં આ વેળા કોઈ નવીનતા નથી. ગયા વર્ષની ફેન્સી જાતોમાં રેપી બ્રાન્ડની પાવરપેક છત્રીના જથ્થાબંધ ભાવ રૂા. 625, બ્લુ ટૂથ છત્રીના રૂા. 825, વીન્ડફાયર છત્રીના રૂા. 450થી 500 અને રીમોટ કન્ટ્રોલ છત્રીના રૂા. 4500 છે. ફાઈવ ફોલ્ડ લેડીઝ અમ્બ્રેલા જે પર્સ કે પાઉચમાં રહી જાય તેવી ટચુકડી હોય છે તેના ભાવ રૂા. 300થી 400 છે.
સાગર સન્સના જયેશ ચોપડાએ જણાવ્યું હતું કે છત્રીના કાપડ, સ્ટીલ, પ્લાસ્ટિક જેવા કાચા માલના ભાવ વધી જવાથી છત્રીની પડતર 10થી 20 ટકા વધી છે પણ વેચાણ ભાવ ગયા વર્ષની સપાટીએ જ યથાવત્ પડયા છે. મુંબઈમાં 10થી 15 જૂનની વચ્ચે ચોમાસું બેસી જવાની શક્યતા છે. ખરો વરસાદ જુલાઈમાં જ થાય છે. આથી જ્યારે લૉકડાઉન ખૂલી જશે અને ઘરાકી નીકળશે ત્યારે છત્રીની ખેંચ સર્જાવાની શક્યતા છે.
ધી અમ્બ્રેલા મેન્યુફેક્ચરર ઍન્ડ ટ્રેડર્સ ઍસોસિયેશન (ઉમટા)ના પ્રમુખ રાજેશ ચોપડાએ જણાવ્યું હતું કે છત્રી પર જીએસટીના દર જે 12 ટકા છે તે ઘટાડી પાંચ ટકા કરવા જોઈએ. સરકારે છત્રીને આવશ્યક સેવાની યાદીમાં મૂકી હોવાથી જીએસટી ઘટાડવો જરૂરી છે.
છત્રીનો વેપાર મે, જૂન, જુલાઈના ત્રણ મહિનામાં જ થાય છે. જો આ સિઝન ફેઈલ જાય તો આખું વર્ષ વેપારીઓનું બગડે છે. આ વેળા વરસાદ સામાન્યથી સારો પડવાની આગાહી હોવાથી અને છત્રીનો પુરવઠો ઓછો હોવાથી વેપારીઓ સિઝન સારી નીવડવા અંગે આશાવાદી છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer