કાપડ, ફાઈબર, ફિલામેન્ટ યાર્નનો પણ યોજનામાં સમાવેશ કરવા ટેક્સ્ટાઇલ મંત્રાલયની વિચારણા

કાપડ, ફાઈબર, ફિલામેન્ટ યાર્નનો પણ યોજનામાં સમાવેશ કરવા ટેક્સ્ટાઇલ મંત્રાલયની વિચારણા
ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટે પીએલઆઈ સ્કીમ
નવી દિલ્હી, તા. 8 : પ્રોડક્શન - લિન્કડ ઇન્સેન્ટીવ (પીએલઆઈ) સ્કીમ હેઠળની પાત્રતા માટે અત્યાર સુધી નક્કી કરાયેલા ઉત્પાદનો અંગે કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રાલય ફેરવિચારણા કરી રહ્યું છે. દેશમાં વધુ વેલ્યુએડીશનને પ્રોત્સાહિત કરવા મેન મેઇડ ફાઇબર શ્રેણી અને ટેકનિકલ ટેક્સ્ટાઇલ્સની શ્રેણીમાં કાપડ અને ફિલામેન્ટ જેવી કાચી સામગ્રીને સ્કીમમાં આવરી લેવાની વિચારણા છે.
અત્યાર સુધી આ બન્ને શ્રેણીમાં આખરી ઉત્પાદનો જેવા કે ગાર્મેન્ટ્સ, સ્વેટર્સ, ડાઈપર્સ, સેનેટરી નેપ્કિન્સને ધ્યાનમાં લેવામાં આવતાં હતાં. આમ માત્ર આખરી ઉત્પાદનોને જ ધ્યાનમાં લેવાથી ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ અને રોકાણને મહત્તમ ઉત્તેજન મળી શકતું નથી.
કેન્દ્ર સરકારે પીએલઆઈ સ્કીમ માટે જે 13 ક્ષેત્રો નક્કી કર્યાં છે તેમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ટેક્સ્ટાઇલ માટે આ સ્કીમ હેઠળ રૂા. 10,683 કરોડની ફાળવણી થઈ છે. મેન મેઇડ ફાઇબરની 40 માન્ય આઇટમો અને ટેકનિકલ ટેક્સ્ટાઇલ્સના 10 ઉત્પાદનોને પાંચ વર્ષ સુધી ઇક્રીમેન્ટલ ઉત્પાદન પર વિવિધ લાભ અપાશે.
આ ઉપરાંત સ્કીમ હેઠળની પાત્રતા માટેની ટર્નઓવરની ટોચમર્યાદા ઘટાડવાની માગણી ઉદ્યોગ દ્વારા થઈ રહી છે, જેથી નાના એકમો પણ આ સ્કીમનો લાભ લઈ શકે. પ્રારંભિક યોજના પ્રમાણે અગાઉથી કામગીરી બજાવતી બ્રાઉનફીલ્ડ કંપનીઓને (રૂા. 100થી 500 કરોડના ટર્નઓવર સાથેની કંપનીઓને) પ્રથમ વર્ષના અડધા ઇક્રીમેન્ટલ ટર્નઓવર પર 9 ટકા ફીક્સ ઇન્સેન્ટીવ આપવાની વાત છે. તે પછીનાં ચાર વર્ષોમાં સાત ટકા ઇન્સેન્ટીવ આપવાની વાત છે.
ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ અર્થાત નવા સેટઅપ માટે રૂા. 500 કરોડના લઘુતમ રોકાણ પર પ્રારંભમાં 11 ટકા ઇન્સેન્ટીવ આપવાની ભલામણ છે.
આ ઉપરાંત દર વર્ષના ધોરણે 50 ટકા વિકાસની શરત પણ વધુ પડતી મુશ્કેલ અને હાંસલ કરવા માટે અઘરી હોવાનું ઉદ્યોગ માને છે. આથી ટેક્સ્ટાઇલ મંત્રાલય આ મુદ્દે પણ ફેરવિચારણા કરી રહ્યું છે.
ઉદ્યોગ અને માર્કેટની સ્થિતિની જરૂરિયાતને અનુકૂળ રહે તેવી રીતે પીએલઆઈ સ્કીમ ફીટ થવી જોઈએ, એમ નિષ્ણાતોનું માનવું છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer