ઈસીએલજીએસ હેઠળ લોનની પુન : ચુકવણીની મુદત વધારાતાં એમએસએમઈ ક્ષેત્રને ફાયદો

ઈસીએલજીએસ હેઠળ લોનની પુન : ચુકવણીની મુદત વધારાતાં એમએસએમઈ ક્ષેત્રને ફાયદો
મુંબઈ, તા. 8 : ઈસીએલજીએસ હેઠળ લોનની પુન: ચુકવણીની મુદત સરકારે વધારી હોવાથી એમએસએમઈ ક્ષેત્રને ઘણો ફાયદો થશે વધુ એકમો આ સ્કીમનો લાભ લઈ શકશે એમ ધી કૉટન ટેક્સ્ટાઇલ્સ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલ (ટેક્સપ્રોસીસ)ના અધ્યક્ષ મનોજ પટોડિયાએ જણાવ્યું છે.
સરકારે ઈસીએલજીએસ (ઇમર્જન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ)માં સુધારો કર્યો છે. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર રીસ્ટ્રક્ચરિંગ માટે જે ઋણ લેનાર પાત્ર હોય અને ઈસીએલજીએસ 1.0 હેઠળ કુલ ચાર વર્ષની મુદત માટે લોન લીધી હોય તેને પ્રથમ 12 મહિનામાં માત્ર વ્યાજ અને તે બાદના 36 મહિનામાં પ્રિન્સીપલ રકમ અને વ્યાજની પુન:ચુકવણી કરવાની થતી હતી તેને હવે તેની ઈસીએલજીએસ લોન માટેની સમયમર્યાદા પાંચ વર્ષની કરી આપવામાં આવી છે. હવે તેને પ્રથમ 24 મહિનામાં માત્ર વ્યાજની પુન: ચુકવણી કરવાની રહેશે અને ત્યાર બાદના 36 મહિનામાં મૂળ રકમ અને વ્યાજની પુન: ચુકવણી કરવાની રહેશે.
પટોડિયાએ જણાવ્યું છે કે કોરોના મહામારીની બીજી લહેરથી ટેક્સ્ટાઇલ-ક્લોધિંગ ઉદ્યોગ વધુ અસરગ્રસ્ત હતો પણ લોનની પુન: ચુકવણીની મુદત ચાર વર્ષથી વધારી પાંચ વર્ષ કરાતાં એમએસએમઈ ક્ષેત્રને મોટી રાહત થશે. આ ઉપરાંત તા. 29 ફેબ્રુઆરી, 2020ના બાકી રહેલી રકમના 10 ટકા સુધી વધારાની ઈસીએલજીએસ સહાય પણ માત્ર ઋણધારકો માટે વધારવામાં આવી છે. આ ખૂબ સકારાત્મક પગલું છે અને આથી એમએસએમઈ માટે જરૂરી રોકડ પ્રવાહ વધી શકશે.
ઈસીએલજીએસ 3.0 હેઠળ પાત્રતા માટે લોન આઉટ સ્ટેન્ડિંગની વર્તમાન મર્યાદા જે રૂા. 500 કરોડની હતી તે દૂર કરવામાં આવી છે. આમાં દરેક ઋણધારકને મહત્તમ વધારાની ઈસીએલજીએસ સહાય 40 ટકા કે રૂા. 200 કરોડ જે કંઈ પણ ઓછું હોય તે શરતને આધીન છે. આ ઉપરાંત ઈસીએલજીએસની વેલિડિટી તા. 30-09-2021 સુધી અથવા રૂા. 3 લાખ કરોડની રકમ માટેની ગેરન્ટી ચાલુ હોય ત્યાં સુધી વધારી આપવામાં આવી છે. સ્કીમ હેઠળના વિતરણની તા. 31-12-2021 સુધી છૂટ આપવામાં આવી છે. આમ ઈસીજીએલએસ 3.0 હેઠળ પાત્રતા માટેની સીલિંગ નાબૂદ કરવાથી અને ઈસીજીએલએસનું વિસ્તરણ કરવાથી વધુ એકમો આ સ્કીમનો લાભ લઈ શકશે એમ પટોડિયાએ ઉમેર્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer