મોદી અને ઠાકરે વચ્ચેની બેઠકથી આઘાડી સરકારને જોખમ નથી

શિવસેના અને રાષ્ટ્રવાદી કહે છે
મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે દિલ્હીમાં થયેલી મુલાકાતને કારણે મહાવિકાસ આઘાડીની સરકારને કોઈ ભય નથી એમ શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે જણાવ્યું છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલે જણાવ્યું છે કે મોદી અને ઠાકરે વચ્ચે બેઠકને લીધે `ગભરાવા' જેવું કશું નથી.
આજે સવારે મહાવિકાસ આઘાડીના આગેવાનો ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને અશોક ચવ્હાણ રાજ્ય અંગેના વિવિધ પ્રશ્નો અને મુદ્દા અંગે વડા પ્રધાનને દિલ્હીમાં મળ્યા હતા. જોકે, મોદી અને ઠાકરે વચ્ચે અલગ બેઠક યોજાઈ હતી કે કેમ તે હજી સ્પષ્ટ નથી.
શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકાર તેની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે.
જયંત પાટીલે જણાવ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં સત્તા ઉપર પાંચ વર્ષ પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ. વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન વચ્ચેની બેઠકને લીધે રાજ્ય સરકાર ઉપર જોખમ નથી. અમારી રાજકીય વિચારધારા અલગ છતાં સરકાર ઉપર જોખમ નથી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર પણ બધા રાજકીય પક્ષોના નેતાઓ સાથે સંબંધ ધરાવે છે, એમ પાટીલે ઉમેર્યું હતું.

Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer