આંતરરાજ્ય નકલી ફૅવિપ્રવિર રૅક્ઁટ મામલે હેલ્થકેર કંપનીના માલિક અને લૅબના કર્મચારીની ધરપકડ

કાંદિવલી અને ગોરેગામમાં પાડયા દરોડા
મુંબઈ, તા. 8 : કોરોનાની સારવાર માટે ઉપયોગી ફૅવિપ્રવિરની નકલી દવા બનાવવાની સાથે હૉલસેલ માર્કેટમાં વેચવામાટે મુંબઈ પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે ઉત્પાદક તરીકે તેમણે હિમાચલ પ્રદેશની એક કંપનીના નામનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ નામની કોઈ કંપની જ નથી. 
કોરોના મહામારીના સમયમાં પણ અમુક લોકો માણસાઈને નેવે મુકી નફો રળવામાં પડ્યા છે. આ રીતે જ નકલી દવાઓ વેચી પોતાના ખીસા ભરતી મેરઠની એક ફાર્મા લૅબમાં કામ કરતા કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે. એ નકલી ફૅવિપ્રવિર બનાવી વેચતો હોવાનો એના પર આરોપ છે. ફૅવિપ્રવિર કોરોનાના દરદીઓની સારવાર માટે વપરાય છે. આ કેસના તાર માત્ર મેરઠ જ નહીં પણ મુંબઈથી લઈ હિમાચલ પ્રદેશ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  હકીકતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ને મળેલી ટિપના આધારે મુંબઈના કાંદિવલી ઈસ્ટ અને ગોરેગાવ ઈસ્ટ સ્થિત ત્રણ હોલસેલ ડીલર્સને ત્યાં છાપો માર્યો. અહીંથી મોટી સંખ્યામાં ફૅવિમેક્સ 400, ફેવિમેક્સ 200 (ફૅવિપ્રવિર) અને હાઇડ્રોક્સિક્લોરોક્વીન દવા જપ્ત કરવામાં આવી. આ દવાની કિમત 1.5 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. આ દવાઓના ઉત્પાદક તરીકે હિમાચલ પ્રદેશની મેક્સ રિલીફ હેલ્થકેરનું નામ લખેલું હતું.  દવાના ઉત્પાદક અસલી છે કે નહીં એ ચકાસવા એફડીએએ હિમાચલના ડ્રગ કન્ટ્રોલરને મેલ મોકલ્યો, તેમણે આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ ન હોવાનું જણાવ્યું. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે નોઇડામાં પણ મેક્સ રિલીફ હેલ્થકેરના નામે દવાઓ વેચાઈ રહી છે. આથી એફડીએએ અન્ય રાજ્યોને એડવાઇઝરી જારી કરી અને આ ઉત્પાદકની દવાઓનો ઉપયોગ ન કરવા જણાવ્યું. 
30 મેના મેક્સ રિલીફના માલિક સુદીપ મુખરજીને એફડીએએ પૂછપરછ માટે બોલાવ્યા. તેમની પાસે દવાના ઉત્પાદન અને વેચાણ માટેના કોઈ દસ્તાવેજો નહોતા. તેમણે લાઇસન્સની એક કૉપી દર્શાવી જે નકલી હતી. ત્યાર બાદ મુંબઈના સમતા નગર પોલીસ સ્ટેશનમાં મુખરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. 
સમતા નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આનંદરાવ હાકેએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મેરઠમાં સંદીપ મિશ્રા નકલી દવાઓ બનાવતો હતો અને એનો એક સાથી દવા પેક કરવામાં મદદ કરતો હતો. ત્યાર બાદ આ બધી દવાઓ સુદીપ મુખરજી હોલસેલમાં વેચતો હતો. 
ત્યાર બાદ યુપીના મેરઠમાં પોલીસની ટીમ મોકલવામાં આવી, જ્યાંથી એક ફાર્મા લૅબમાં કામ કરતા કર્મચારી સંદીપ મિશ્રાની ધરપકડ કરવામાં આવી. સંદીપ પર આરોપ છે કે એ ફૅવિપ્રવિરની નકલી દવાઓ બનાવતો હતો. આ દવાઓને પેક કરી હોલસેલ માર્કેટમાં વેચવામાં આવતી હતી. આનંદરાવ હાકેએ જણાવ્યું કે જ્યારે આ દવાઓની તપાસ કરવામાં આવી તો એ નકલી હોવાનું જણાયું હતું. 
હાલ સુદીપ મુખરજી, સંદીપ મિશ્રા અને તેમના સાથીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ થઈ રહી છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer