બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાના સુધારાનો અભ્યાસ કરવા મહારાષ્ટ્ર સરકારે સમિતિ બનાવી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 8 :  બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાં કરવામાં આવેલા સુધારાની અર્બન કોઓપરેટિવ બૅન્કો પર શું અસર પડી શકે છે એનો અભ્યાસ કરવા મહારાષ્ટ્ર સરકારે સહકારી ખાતાના પ્રધાન બાળાસાહેબ પાટીલના નેતૃત્વ હેઠળ 13 સભ્યોની એક કમિટી બનાવી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવારે કમિટી બનાવવાનું એક સપ્તાહ પહેલા સૂચન ર્ક્યું હતું. આ કમિટીને ત્રણ મહિનાની અંદર રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. 
એક સપ્તાહ પહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રધાનો સાથેની માટિંગમાં શરદ પવારે કહ્યું હતું કે બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાં કરાયેલા સુધારાને પગલે અર્બન કોઓપરેટિવ બૅન્કો પર રિઝર્વ બૅન્કનો અંકુશ વધી જશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસનું કહેવું છે કે કેન્દ્ર સરકાર અર્બન કોઓપરેટિવ બૅન્કો પર પોતાનો કન્ટ્રોલ જમાવવા માગે છે. મહારાષ્ટ્રમાં 2.5 લાખ જેટલી કો-અૉપરેટિવ સોસાયટીઓ છે અને એમાંથી 458 અર્બન કોઓપરેટિવ સોસાયટીઓ છે. 
ગયા વર્ષે કેન્દ્ર સરકારે ડિપોઝિટરોના હિતની સુરક્ષા કરવા બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાં સુધારો કર્યો હતો. આ સુધારામાં રિઝર્વ બૅન્કના અંકુશોને વધારવામાં આવ્યા હતા અને ડિપોઝિટરોના પૈસા ડૂબે નહીં એ માટે આર્થિક રીતે નબળી પડી ગયેલી બૅન્કોના વિલિનીકરણની યોજના બનાવવાની પણ રિઝર્વ બૅન્કને સત્તા અપાઈ હતી. 
મહારાષ્ટ્રમાં તાજેતરમાં છથી વધુ અર્બન કો-અૉપરેટિવ બૅન્કો આર્થિક રીતે નબળી પડી છે. આમા પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ બૅન્કનો પણ સમાવેશ છે. 
બૅન્કિંગ રેગ્યુલેશન ઍક્ટમાં જે સુધારા કરાયા છે એમાં એક સુધારો એવો છે કે જે ખાનગી કંપનીમાં બૅન્કના ચૅરમૅન કે ડિરેક્ટરોના હિત હોય એ કંપનીઓને અન-સિક્યોર્ડ લોન કે એડવાન્સીસ આપવા પર પ્રતિબંધ મુકાયો છે. ડિપોઝિટરોનું હિત જળવાય એ માટે કો-અૉપરેટિવ બૅન્કોમાં પ્રોફેશનલ મૅનેજમેન્ટની પણ સુધારિત કાયદામાં જોગવાઈ કરાઈ છે. 
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે રાજ્યમાં મોટાભાગની અર્બન કો-અૉપરેટિવ બૅન્કો પર અમારા પક્ષનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કન્ટ્રોલ છે. એટલે અમારા પક્ષને નબળો પાડવા આ સુધારા કરાયા છે. છેલ્લાં છ વર્ષમાં અમારા પક્ષ પ્રમુખ શરદ પવારે કો-અૉપરેટિવ બૅન્કોના નેટવર્કને આખા રાજ્યમાં ફેલાવ્યું છે. આ બૅન્કો ખેડૂતોને અને નાના વેપારીઓને મદદ કરે છે. 

Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer