બાવીસ દરદીનાં મૃત્યુ : આગ્રાની હૉસ્પિટલ સીલ

મોક ડ્રીલમાં દર્દીનાં મોત થયાંનું કબૂલતો વીડિયો વાયરલ
આગ્રા, તા. 8 :  ઉત્તરપ્રદેશના આગ્રાની પારસ હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીની મોક ડ્રીલ દરમ્યાન 22 દર્દીના મોત થયાનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળા વચ્ચે હોસ્પિટલને સીઝ કરી દેવામાં આવી હતી અને હોસ્પિટલના સંચાલક તબીબ અરિંજય જૈન સામે મહામારી અધિનિયમ હેઠળ કેસ દર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દરમ્યાન  મામલાએ રાજકીય ગરમી પકડી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ યોગી સરકારને નિશાને લઈ પ્રહારો કર્યા હતા.
પારસ હોસ્પિટલના માલિક ડો. અરિંજય જૈનના ચાર વીડિયો વાયરલ થયા હતા જેમાં તેઓ કબૂલ કરી રહ્યા હતા કે દર્દીઓની છટણી માટે 26 એપ્રિલના સવારે 8 વાગ્યે મોક ડ્રીલ કરવામાં આવી હતી જેમાં કોરોના સંક્રમિત દર્દીઓના ઓક્સિજન પુરવઠાને રોકવામાં આવ્યો હતો. આ દરમ્યાન માત્ર પાંચ મિનિટની અંદર જ 22 દર્દીએ દમ તોડી નાખ્યો હતો. એ સમયે હોસ્પિટલમાં 96 દર્દી દાખલ હતા. ડો. જૈને લોકો સાથે વાત કરતાં એમ પણ કહ્યું હતું કે ઓક્સિજનની વ્યવસ્થા તો ખુદ મુખ્યમંત્રી પણ કરી શકે તેમ નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રહારો કરતાં કહ્યું કે ભાજપ શાસનમાં ઓક્સિજન અને માનવતા બંનેની તંગી છે. આ ખતરનાક અપરાધના જવાબદાર તમામ સામે તુરંત કાર્યવાહી થવી જોઈએ. 
પ્રિયંકા ગાંધીએ હોસ્પિટલના સંચાલક ડો. જૈનનો વીડિયો શેર કરતાં પીએમ મોદી અને સીએમ યોગી પર પ્રહારો કર્યા હતા. 
દરમ્યાન આ મામલે યુપીના સ્વાસ્થ્યમંત્રી જય પ્રતાપસિંહે કહ્યું હતું કે પારસ હોસ્પિટલમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં સમસ્યાની ફરિયાદો મળી હતી. તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ પૂરી થાય એ પછી જ કાંઈ કહી શકાશે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer