પહેલી જુલાઈથી વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું

નવી દિલ્હી, તા. 8 : કેન્દ્ર સરકારના કર્મચારીઓને ટૂંક સમયમાં તેમનું દોઢ વર્ષથી અટકેલું મોંઘવારી ભથ્થું મળી શકે છે જોકે તેમાં એક બદલાવ આવવાની શક્યતા છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2021થી વધારાઈ શકાય છે  જોકે જુલાઈ બાદથી જે ભથ્થું બનતું હશે તે આપવામાં આવશે તેમાં પાછલા મહિનાઓનું એરિયર્સ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે સરકારે કોરોનાવાયરસ મહામારીની શરૂઆતમાં દોઢ વર્ષ સુધી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં પર રોક લગાવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર 30 જૂનના કોસ્ટ ઈન્ડેક્શન કરી શકે છે તે પછી ભથ્થાના ટકા નિયત થશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારીઓને 28 ટકા સુધી મોંઘવારી ભથ્થું મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભથ્થાંના દર ઈન્ડેક્શન પર નિર્ભર હશે કેમકે આ વખતે ડીએમાં વધારો પાછલા મહિનાના લાભ પર આધારિત નહીં હોય.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્તમાનમાં 17 ટકાના દરથી મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. આ દર જુલાઈ 2019માં થયેલા ફેરફાર બાદથી ચાલ્યો આવે છે. આમ તો જુલાઈ 2019 બાદ નવો ફેરફાર જુલાઈ 2020ના થવાનો હતો પરંતુ કોરોનાવાયરસ મહામારીને કારણે ડીએમાં સંશોધનને રોકવામાં આવ્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer