અતિવૃષ્ટિની આગાહીને પગલે વહીવટી તંત્રને સતર્ક કરાયું

મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં ચોમાસું બેસવાની સાથે તળ મુંબઈ સહિત ઉપનગરોમાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, કાંદિવલી, બોરીવલી અને દહીસર વિસ્તારોમાં સવારથી વાદળો ઘેરાયા હતા અને કેટલાય હળવો કે મુશળધાર વરસાદ પડ્યો હતો. 
હવામાન ખાતાએ આપેલી જાણકારી મુજબ આગામી ચાર દિવસમાં મુંબઈ સહિત રાજ્યના તમામ જિલ્લાને અતિવૃષ્ટી થવાની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ સહિત કોકણ કિનારાપટ્ટી વિસ્તારાં પણ વાદળછાયું વાતાવરણ છે. એટલે લગભગ સમગ્ર મુંબઈમાં વરસાદે હાજરી પુરાવી હોવાથી મુંબઈ પાછું તુંબાપુરી થશે કે? એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 
દરમિયાન, મુંબઈ ઉપનગર સહિત કોકણના તમામ જિલ્લામાં ચાર દિવસ અતિવૃષ્ટી થવાની ચેતવણી હવામાન ખાતાએ આપી છે. 9થી 12 જૂન દરમિયાન રાજ્યમાં મુશળધાર વરસાદ પડશે, એટલે નાગરિકોએ સાવચેત રહેવું. એટલું જ નહીં, હવામાન ખાતાની આગાહી મુજબ પ્રશાસને પણ સતર્ક રહેવાની સાથે મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારી રાખવાનો આદેશ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો છે. 
હવામાન ખાતાએ અતિવૃષ્ટીની ચેતવણી આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક મુંબઈ મહાનગર ક્ષેત્ર અને કોકણના તમામ જિલ્લાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ યંત્રણાની સમીક્ષા કરી હતી. તેમણે તમામ જિલ્લાના પાલક પ્રધાનોને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સાથે બેઠક યોજવા, અતિવૃષ્ટીના સમયગાળા દરમિયાન જરૂર પડ્યે રાહતકાર્ય માટે કોસ્ટ ગાર્ડ, નૌકાદળને તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 
અતિવૃષ્ટીના સમયગાળા દરમિયાન જ્યાં જરૂરી હોય એવા તમામ સ્થળે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તહેનાત કરવામાં આવે, ઓએનજીસી સહિત અને કેન્દ્રીય સંસ્થાઓને અતિવૃષ્ટી અંગે જાણકારી આપી સતર્ક રહેવા જણાવવામાં આવે, એમ પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer