ગાંધીજીનાં પ્રપૌત્રીને દક્ષિણ આફ્રિકામાં સાત વર્ષની જેલ

ગાંધીજીનાં પ્રપૌત્રીને દક્ષિણ આફ્રિકામાં સાત વર્ષની જેલ
છેતરપિંડીના કેસમાં ડરબનની અદાલતનો ચુકાદો
જોહાનિસબર્ગ, તા.8: મહાત્મા ગાંધીજીનાં પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને છેતરપિંડી અને જાલસાઝીના ગુનામાં દક્ષિણ આફ્રિકામાં સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ડરબનની અદાલતે 60 લાખ રેંડ એટલે કે આશરે 3.22 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સોમવારે ચુકાદો આપ્યો હતો અને આશિષ લતા રામગોબિનને દોષિત ઠરાવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે લતા રામગોબિન ગાંધીજીનાં પ્રપૌત્રી અને મશહૂર માનવ અધિકાર કાર્યકર ઈલા ગાંધી અને મેવા રામગોબિનનાં પુત્રી છે. મેવા રામગોબિનનું નિધન થઈ ચૂક્યું છે. ઈલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકામાં અનેક રાષ્ટ્રીય માનઅકરામ મળેલાં છે. 
દક્ષિણ આફ્રિકાના એક મોટા ઉદ્યોગપતિ એસ.આર.મહારાજે આશિષ લતા ઉપર ગબનનો આરોપ મૂકતા કેસ કર્યો હતો. મહારાજની ન્યૂ આફ્રિકા અલાયન્સ ફૂટવેર કંપની છે. લતા રામગોબિન મહારાજને 2015માં મળ્યાં હતાં. લતાએ તેમને ભરોસો અપાવ્યો હતો કે તેમણે ભારતથી લિનનનાં ત્રણ કન્ટેનર મગાવ્યાં છે. આ કન્ટેનર સાઉથ આફ્રિકન હોસ્પિટલ ગ્રુપ નેટ કેરને પહોંચાડવાનાં હતાં. આ કન્ટેનર લાવવા માટે લતાને નાણાંની જરૂર હતી. તેણે આના સંબંધિત દસ્તાવેજો મહારાજને દેખાડીને વિશ્વાસમાં લીધાં હતાં. મહારાજે તેને નાણાં આપ્યાં હતાં અને નફામાં હિસ્સેદારીની વાત પણ બન્ને વચ્ચે થયેલી પરંતુ આમાં બનાવટની ગંધ આવતાં લતા સામે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ 2015માં શરૂ થયો હતો અને 2.68 લાખ રૂપિયાના જામીન ઉપર તેને છોડવામાં આવ્યાં હતાં. આ કેસ ચાલી જતાં હવે આશિષ લતા રામગોબિનને 7 વર્ષની કેદની સજા જાહેર કરવામાં આવી છે.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer