મિશન વૅક્સિન માટે કેન્દ્રની નવી માર્ગદર્શિકા

મિશન વૅક્સિન માટે કેન્દ્રની નવી માર્ગદર્શિકા
21મી જૂનથી નિ:શુલ્ક રસીકરણ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 8 :  કેન્દ્ર સરકારે મંગળવારે રાષ્ટ્રીય કોવિડ વૅક્સિનેશન કાર્યક્રમની સુધારિત માર્ગદર્શિકા બહાર પાડી છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દેશના વૅક્સિન નિર્માતાઓ દ્વારા ઉત્પાદિત વૅક્સિનમાંથી 75 ટકા વૅક્સિન ખરીદશે. આ સુધારિત માર્ગદર્શિકા 21મી જૂનથી અમલમાં આવશે અને સમયે સમયે એની સમીક્ષા કરવામાં આવશે.
અધિસૂચનામાં જણાવ્યું છે કે, ભારત સરકાર દેશના વૅક્સિન નિર્માતાઓ દ્વારા ઉત્પાદિત વૅક્સિનનો 75 ટકા જથ્થો ખરીદીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિ:શુલ્ક આપશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ વૅક્સિન તમામ નાગરિકોને પ્રાથમિકતાનાં ધોરણે સરકારી વૅક્સિનેશન સેન્ટરમાં નિ:શુલ્ક આપવાની રહેશે.
 માર્ગદર્શિકા મુજબ 18 વર્ષથી વધુ વયના નાગરિકોમાં પ્રાથમિકતાનાં ધોરણો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જાતે નક્કી કરી શકે છે.
નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા રાજ્યોને તેમની વસ્તી, રોગનું પ્રમાણ અને રસીકરણની પ્રગતિનાં  ધોરણોને આધારે વૅક્સિનના ડૉઝ પૂરા પાડવામાં આવશે. રસીના વેડફાટની પુરવઠા પર નકારાત્મક અસર પડશે. 
ઉપરાંત કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સુધારિત માર્ગદર્શિકા અંતર્ગત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પુરવઠો કરવામાં આવનારા વૅક્સિનના ડૉઝ વિશે અગાઉથી માહિતી આપવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ એ જ રીતે જિલ્લા અને વૅક્સિનેશન સેન્ટરને અગાઉથી માહિતી આપવાની રહેશે. તેમણે વૅક્સિનની ઉપલબ્ધતાની માહિતી જાહેર કરવી અને સ્થાનિક વસ્તીમાં પણ વ્યાપક રીતે પ્રસારિત કરવી જેથી નાગરિકોને સુવિધા રહે.
દેશના વૅક્સિન નિર્માતાઓને વૅક્સિનનાં ઉત્પાદન માટે પ્રેરિત કરવા અને નવી વૅક્સિનને પ્રોત્સાહિત કરવા તેમને ખાનગી હૉસ્પિટલોને વૅક્સિન સીધી જ ઉપલબ્ધ કરવાની સુવિધા આપવામાં આવી છે. 
નવી માર્ગદર્શિકા મુજબ ખાનગી હૉસ્પિટલો માટેની રસીની કિંમત વૅક્સિન ઉત્પાદક જાહેર કરશે અને એમાં કોઈપણ ફેરફાર માટે અગાઉથી જાણ કરવામાં આવશે. ખાનગી હૉસ્પિટલો સર્વિસ ચાર્જ તરીકે વધુમાં વધુ 150 રૂપિયા ચાર્જ કરી શકશે. રાજ્ય સરકાર આ રીતે ચાર્જ કરવામાં આવતી કિંમત પર નજર રાખશે.
આ માર્ગદર્શિકા અંતર્ગત `લોકકલ્યાણ'ની ભાવનાને પ્રોત્સાહન આપવા નૉન-ટ્રાન્સફરેબલ ઈલેક્ટ્રોનિક વાઉચરના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવશે. આ વાઉચર ખાનગી વૅક્સિનેશન સેન્ટર પર રીડીમ કરી શકાશે. એનાથી ખાનગી વૅક્સિનેશન સેન્ટરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોના વૅક્સિનેશન માટે લોકો આર્થિક રીતે સહયોગ કરી શકશે.
કેન્દ્રએ જણાવ્યું છે કે રાજ્ય સરકારોએ વૅક્સિનેશન વખતે હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, 45થી વધુ વયના નાગરિકો, વૅક્સિનનો બીજો ડૉઝ મળ્યો નહીં હોય તેમને વૅક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાની રહેશે.
 

Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer