દેશમાં બે મહિના બાદ કોરોનાનો પ્રકોપ કાબુમાં

દેશમાં બે મહિના બાદ કોરોનાનો પ્રકોપ કાબુમાં
દૈનિક સંક્રમિતો એક લાખથી નીચે : 24 કલાકમાં 2123 મૃત્યુ
નવી દિલ્હી, તા. 8 : દેશમાં ભારે હાલાકી અને પીડા સર્જી જનારી કોરોનાની બીજી લહેરમાં આખરે બે મહિનાના લાંબા ગાળા બાદ રાહતભર્યા આંકડાઓ સામે આવ્યા છે. 66 દિવસ પછી દેશમાં 1 લાખથી નીચે 86,498 મામલા સામે આવ્યા હતા જે ત્રીજી એપ્રિલ બાદનો સૌથી ઓછો આંક છે. આ પહેલાં બીજી એપ્રિલે 24 કલાકના ગાળામાં 81466 કેસ નોંધાયા હતા. નવા કેસની સંખ્યા સાથે કોવિડ-19ના કુલ કેસ 2,89,96,473 પહોંચ્યા છે. કેસો ઘટતાંની સાથે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન-નિયંત્રણોમાં છૂટછાટની જાહેરાત પણ કરવામાં આવી છે. 24 કલાકમાં 2,123નાં મોત થયાં હતાં.સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ચોથી મેના દેશમાં 531 જિલ્લા એવા હતા જ્યાં પ્રતિદિન 100થી વધુ કેસ આવતા હતા હવે આવા જિલ્લાની સંખ્યા 209 રહી છે.
તેમણે કહ્યું કે એ જ રીતે ત્રીજી મેના દેશમાં રિકવરી દર 81.8 ટકા હતો જે આજે વધીને 94.3 થયો છે. વીતેલા 24 કલાકમાં 1,82,000 દર્દીઓ સાજા થયા છે અને હવે દરેક રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા દર્જ કેસોથી વધુ છે. તેમણે જણાવ્યું કે સાતમી મેના દેશમાં પ્રતિદિનના હિસાબે 4,14,000 મામલા દર્જ થયા હતા જે હવે 1 લાખથી પણ ઓછા નોંધાઈ રહ્યા છે.
દેશમાં મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. વીતેલા 24 કલાકમાં જે 2123 મોત નોંધાયાં તે 47 દિવસના ગાળા દરમ્યાનનો સૌથી ઓછો આંક છે. કુલ મૃત્યુઆંક વધીને 3,51,309 થયો હતો.
સોમવાર સુધીમાં 18,73,485 કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા બાદ ટેસ્ટની કુલ સંખ્યા 36,82,07,596 થઈ હતી.
દૈનિક પોઝિટિવિટી દર ઘટીને 4.62 ટકા થયો હતો. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ ઘટીને 5.94 ટકા થયો હતો.
દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 13,03,702 થઈ હતી જે કુલ સંક્રમણના 4.50 ટકા છે એમ સંરક્ષણ મંત્રાલય તરફથી આજે સવારે જારી આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer