કેન્દ્ર પાસે મ્યુકરમાઇકોસિસની દવાઓની ફાળવણી વિગતોની જાણકારી હાઇ કોર્ટે માગી

કેન્દ્ર પાસે મ્યુકરમાઇકોસિસની દવાઓની ફાળવણી વિગતોની જાણકારી હાઇ કોર્ટે માગી
મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : કોવિડ-19ના દરદીઓને સારવાર દરમિયાન કે સાજા થયા બાદ થતાં ઇન્ફેક્શન મ્યુકરમાઇકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એન્ટિ ફંગલ ડ્રગ વિવિધ રાજ્યોને કેટલી ફાળવવામાં આવી છે એની વિગત બૉમ્બે હાઇ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર પાસે માગી છે. 
ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી.એસ. કુલકર્ણીની બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દરેક રાજ્યના મ્યુકરમાઇકોસિસના કેસ નોંધાયા હોય એ મુજબ દવાની ફાળવણી કરે છે કે નહીં એ તેઓ જાણવા માગે છે. 
અરજીની સુનાવણી દરમિયાન બેન્ચે સૂચવ્યું હતું કે મહારાષ્ટ્રમાં નોંધાયેલા મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી એન્ટિ-ફંગલ ડ્રગનો વધુ જથ્થો મહારાષ્ટ્રને ફાળવે. 
બેન્ચે વધુમાં જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારે મ્યુકરમાઇકોસિસથી બચવા શું કરવું અને શું ન કરવું એ અંગેની માર્ગદર્શિકા જારી કરી એ લોકો સુધી પહોંચાડે. એ સાથે લોકો એનું પાલન કરે છે કે નહીં એનું ધ્યાન રાખે. 
કોવિડ-19 મહામારી સંબંધિત જાહેરહિતની અરજીની બેન્ચ સુઓ મોટુ સુનાવણી કરી રહી હતી. હાલના મ્યુકરમાઇકોસિસ અને એસ્પરગિલોસિસ (એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન) અને કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેર અંગે કેવી તૈયારી કરી એ અંગેની મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારે જમા કરેલી વિગતો પર સુનાવણી કરી રહી હતી. 
મહારાષ્ટ્ર સરકાર વતી ઉપસ્થિત ઍડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ કોર્ટને જણાવ્યું કે 1 જૂને રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના કુલ 5126 કેસ હતા. કુંભકોણીએ જણાવ્યું કે રાજ્યની 42 સરકારી હોસ્પિટલ અને 419 ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દરદીઓની સારવાર ચાલી રહી છે. 
તેમણે વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર એન્ટિ-ફંગલ ડ્રગ એમ્ફોટેરિસિન-બીના 40 હજાર ડૉઝની મળવાની અપેક્ષા રાખે છે. દવા રાજ્ય સરકાર હાફકિન ઇન્સ્ટિટ્યૂટના સહયોગમાં બનાવી રહી છે. 
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ નાગપુર, પુણે, ઔરંગાબાદ, સોલાપુર અને નાશિક જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે હાઇ કોર્ટને જણાવ્યું કે દેશમાં મ્યુકરમાઇકોસિસના કુલ 28,252 કેસ નોંધાયા છે. એ સાથે તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ફંગલ ઇન્ફેક્શનના કેસની સંખ્યા સૌથી વધુ હોવાથી કેન્દ્રએ એન્ટિ-ફંગલ દવાના 91 હજાર વાયલ ફાળવ્યા છે.  કોર્ટે જોકે નોંધ્યું હતું કે, દેશના અન્ય રાજ્યોમાં કેટલા કેસ છે? ઓછામાં ઓછી એક ચતુર્થાંશ દવાની ફાળવણી મહારાષ્ટ્રને થવી જોઇએ. એટલે તમારે અમને કેસના આંકડાઓ દર્શાવવા જોઇએ કે અન્ય રાજ્યોમાં કેટલા કેસ નોંધાયા છે. અમારે  જોવું છે કે દવાની ફાળવણી યોગ્ય પ્રમાણમાં થાય છે કે નહીં. 
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer