સાંસદ નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર બૉમ્બે હાઈ કોર્ટે રદ કર્યું

સાંસદ નવનીત રાણાનું જાતિ પ્રમાણપત્ર બૉમ્બે હાઈ કોર્ટે રદ કર્યું
બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણાને બૉમ્બે હાઇ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. કોર્ટે નવનીત રાણાના જાતિ પ્રમાણપત્રને રદ કરી નાખ્યું છે. તેમ જ બનાવટી દસ્તાવેજોના આધારે પ્રમાણપત્ર લેનાર નવનીત રાણાને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. નવનીત રાણા સામે બનાવટી દસ્તાવેજોના આધારે કાસ્ટ સર્ટિફિકેટ બનાવવાનો આરોપ મુકાયો હતો. કોર્ટે સાંસદને છ સપ્તાહની અંદર પ્રમાણપત્ર પરત કરવાના નિર્દેશ આપ્યા છે. 
ન્યાયાધીશ આરડી ધનુકા અને ન્યાયાધીશ વીજી બિશ્તની ખંડપીઠે મંગળવારે સાંસદ નવનીત રાણાનું પ્રમાણપત્ર રદ કરી જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી છેતરપિંડીથી પ્રાપ્ત કર્યું છે. તેમ જ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ બે સપ્તાહની અંદર મહારાષ્ટ્ર કાનૂની સેવા પ્રાધિકરણમાં જમા કરવાના આદેશ આપ્યા હતા. 
અદાલતે જણાવ્યું હતું કે રાણાએ અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે મોચી જાતિથી સંબંધિત હોવાનો દાવો કર્યો હતો અને આ શ્રેણીના ઉમેદવારને ઉપલબ્ધ થનાર વિવિધ લાભોને હાંસલ કરવાના ઇરાદે લેવાયું હતું.    
નવનીત રાણાના જાતિ પ્રમાણપત્ર અંગે બૉમ્બે હાઇ કોર્ટની નાગપુર ખંડપીઠમાં અરજી દાખલ કરાઇ હતી. આ અરજીમાં આરોપ મુકાયો હતો કે નવનીત રાણા પંજાબી છે અને તે લબાના જાતિના છે, જે મહારાષ્ટ્રની એસસી (શિડયુલ કાસ્ટ) શ્રેણીમાં આવતી નથી. એવામાં તેમણે બનાવટી દસ્તાવેજો દર્શાવીને પોતાનું જાતિ પ્રમાણપત્ર બનાવ્યું છે. નવનીત રાણા સામે સ્કૂલના બનાવટી દસ્તાવેજો દેખાડીને પ્રમાણપત્ર બનાવવાનો આરોપ મુકાયો હતો. અરજકર્તાએ નવનીત રાણા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.  નવનીત રાણા વર્ષ 2019માં અમરાવતીથી સાંસદ બન્યા છે.

Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer