44 કરોડ રસીના ડૉઝનો ઓર્ડર કૉવિશિલ્ડના પચીસ અને કૉવૅક્સિનના

44 કરોડ રસીના ડૉઝનો ઓર્ડર કૉવિશિલ્ડના પચીસ અને કૉવૅક્સિનના
19 કરોડ ડૉઝ ખરીદાશે 
નવી દિલ્હી, તા. 8 : કેન્દ્ર સરકારે આજે કહ્યું હતું કે, તેણે કોવિશિલ્ડ અને કોવેક્સિનના 44 કરોડ ડોઝની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં રાજ્યોને બદલે જાતે ખરીદી કરીને સમગ્ર રસીકરણ અભિયાનનું સંચાલન કરશે તથા 18 વર્ષથી ઉપરની ઉંમરના તમામને વિનામૂલ્યે રસી અપાશે એવી જાહેરાત કર્યાના બીજા દિવસે જ કેન્દ્ર સરકારે આ વાત કહી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, આ 44 કરોડના કોવિડ  ડોઝની ડિલિવરી ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવશે.
સત્તાવાળાઓએ કહ્યું હતું કે, ગઇકાલે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમની માર્ગદર્શિકામાં ફેરફારની વડાપ્રધાને જાહેરાત કર્યા બાદ કેન્દ્રએ ત્વરિત ઘટનાક્રમમાં સીરમ ઇન્સ્ટિટયૂટને કોવિશિલ્ડ રસીના 25 કરોડ ડોઝ તથા ભારત બાયોટેકને કોવેક્સિન રસીના 19 કરોડ ડોઝનો હુકમ કર્યો હતો. વધુમાં કોવિડ-19 રસીની ખરીદી માટે બંને સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ? ઇન્ડિયા અને ભારત બાયોટેકને રસીના જથ્થાના 30 ટકા રકમની આગોતરી ફાળવણી કરી દેવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, `હવે દેશભરના રસીકરણ અભિયાન અંતર્ગત 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોવિડની રસી વિનામૂલ્યે મળશે.'
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer