વડા પ્રધાન સાથેનો નાતો અતૂટ : ઉદ્ધવ ઠાકરે

વડા પ્રધાન સાથેનો નાતો અતૂટ : ઉદ્ધવ ઠાકરે
મરાઠા અનામત, મેટ્રો કારશેડ, જીએસટી રિફંડ સહિત 12 મુદ્દાની ચર્ચા
આનંદ કે. વ્યાસ તરફથી 
નવી દિલ્હી, તા. 8 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે લાંબા ગાળા બાદ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમની સાથે મરાઠા અનામત અને જીએસટીના રિફંડ સહિતના મુદ્દા વિશે ચર્ચા કરી હતી. એ ઉપરાંત કાંજુર માર્ગમાં મેટ્રોના કારશેડ માટે જમીન ફાળવવા અને તૌકતે વાવાઝોડાના અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવાના મુદ્દાની પણ ચર્ચા કરી હતી. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની અલગ બેઠક વિશે બોલતાં ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને કહ્યું હતું કે આ રાજકીય નહીં પણ અંગત માટિંગ હતી. 
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મારા વડા પ્રધાન સાથે એકદમ સારા સંબંધ છે. અમે ભલે રાજકીય રીતે સાથે નથી, પણ એનો એવો મતલબ એવો નથી કે અમારા સંબંધ તૂટી ગયા છે. `મેં કોઈ નવાઝ શરીફ સે મિલને નહીં ગયા થા...' હું વડા પ્રધાનને મળું તો એમાં ખોટું શું છે? એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં ઉદ્ધવ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમ જ કૉંગ્રેસના નેતા અને કૅબિનેટ પ્રધાન અશોક ચવ્હાણ પણ હતા. 
બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ઉદ્ધવે કહ્યું હતું કે વડા પ્રધાન સાથે મેં રાજ્યના અમુક મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી. અમને આશા છે કે વડા પ્રધાન આ તમામ મુદ્દાની વિચારણા કરશે, અમને તેમના પર પૂર્ણ ભરોસો છે. 
 તેમણે કહ્યું હતું કે અમે મરાઠા આરક્ષણ મુદ્દાની પણ ચર્ચા કરી હતી. મેટ્રોના કારશેડ અને જીએસટીનાં લેણાં વિશે પણ ચર્ચા કરી હતી. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની મદદની જરૂર છે. 
કોરોનાની રસીકરણના મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું હતું કે 18થી 44ની વયજૂથના રાજ્યના છ કરોડ લોકોને રસીના બે ડૉઝ આપવા અમને બાર કરોડ રસીના ડૉઝની જરૂર છે. અમે રસી આપવાના તમામ પ્રયાસ કર્યા હતા, પણ રસીનો પૂરતો અને નિયમિત પુરવઠો મળતો ન હતો. હવે રસી ખરીદી કેન્દ્ર સરકાર જ કરવાની છે અને એ નિર્ણય માટે હું વડા પ્રધાનનો આભાર માનું છું. 
મરાઠા અનામતના મુદ્દે અશોક ચવ્હાણે કહ્યું હતું કે મરાઠા અનામત વિશે સુપ્રીમ કોર્ટે પહેલા એમ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણ રાજ્યો નક્કી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પાંચ મેના જે ચુકાદો આપ્યો હતો એ વિશે અમે વડા પ્રધાનને માહિતી આપી હતી. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે બંધારણમાં 102માં સુધારા બાદ રાજ્યો અનામત આપી શકે નહીં. 
તેમણે કહ્યું હતું કે આરક્ષણ અમારો અધિકાર છે. એ અધિકાર અમને મળવો જોઈએ અને શક્ય પણ બનાવવો જોઈએ. જાતિ આધારના આરક્ષણ પર પચાસ ટકાની જે મર્યાદા છે એ રદ થવી જોઈએ. આ મર્યાદા માત્ર મરાઠા આરક્ષણ માટે જ નહીં, પણ ઓબીસી આરક્ષણ માટે પણ એ મર્યાદા રદ કરવાની જરૂર છે. 
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે અમે કુલ બાર મુદ્દા વડા પ્રધાન સમક્ષ |ક્યા હતા. અમે એમ પણ કહ્યું હતું કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી ક્વૉટા વસ્તી પ્રમાણે નક્કી થવો જોઈએ. રાજ્ય સરકારને હજી કેન્દ્ર તરફથી 24 હજાર કરોડનું જીએસટી રિફંડ મળ્યું નથી.
Published on: Wed, 09 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer