ઈંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં કિવી સુકાની વિલિયમસનનું રમવું શંકાસ્પદ

ઈંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં કિવી સુકાની વિલિયમસનનું રમવું શંકાસ્પદ
ફાઇનલ પૂર્વે સુકાનીની નબળી ફિટનેસથી ન્યૂ ઝીલૅન્ડની ચિંતા વધી
બર્મિંગહામ, તા.9: ભારત વિરુદ્ધના ડબ્લ્યુટીસીનાં ફાઇનલ પૂર્વે ન્યુઝિલેન્ડની ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે બીજા ટેસ્ટમાં મેદાને પડશે. એજબેસ્ટનનાં મેદાનમાં રમાનાર આ બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમમાં તેના મુખ્ય ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટની વાપસી થઈ શકે છે. કિવિઝ પાસે ખતરનાક ઝડપી બોલરોની ફોઝ છે. જેમાં ટિમ સાઉધી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનાર અને કાઇલ જેમિસન છે. જેમાંથી બોલ્ટ સિવાયના કોઈ એક બોલરને ફાઇનલ પહેલા વિશ્રામ મળવાની શક્યતા છે. લોર્ડસનાં મેદાન પર રમાયેલો પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી ન્યુઝિલેન્ડની ટીમ સંભવિત જીતથી દૂર રહી હતી. યજમાન ઇંગ્લેન્ડની ટીમની નજર બેટિંગ મોરચે સુધારો કરીને આખરી ટેસ્ટ જીતી શ્રેણી 1-0થી કબજે કરવા પર રહેશે. મેચ ગુરુવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.
ન્યુઝિલેન્ડના કોચ ગેરી સ્ટિડે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યંy કે તેના બોલરોએ લોર્ડ્સમાં સારી રીતે જવાબદારી નિભાવી, પણ એનો મતલબ એ નથી કે આવતીકાલના મેચમાં પણ તેમને મોકો મળશે. અમે ફાઇનલ પર નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ બોલરો ફ્રેશ છે અને મેદાનમાં ઉતરાવા ઉત્સાહિત છે. મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જેકબ ડફી પણ અમારા ફ્રન્ટલાઇન બોલરો જ છે. અમારી પાસે 20 ખેલાડીની એવી ટીમ છે. જેમાં તમામ અનુભવી ખેલાડી છે.
એવા પણ રિપોર્ટ છે કે ફિટનેસની સમસ્યાને લીધે કિવિ કપ્તાન કેન વિલિયમ્સનને બીજા ટેસ્ટમાં રેસ્ટ મળી શકે છે. તો ટીમનું સુકાન ટોમ લાથમ સંભાળશે. સ્પિનર મિશેલ સેંટનર બીજા ટેસ્ટની બહાર થઈ ગયો છે.
બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ નવોદિત બોલર ઓલિ રોબિન્સનના વિવાદને ભૂલીને મેદાને પડશે. રોબિન્સનને રંગભેદ વિરોધી જૂની ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેના છાંટા અન્ય ઇંગ્લિશ ક્રિકેટરોને પણ પડી શકે છે. ઇંગ્લેન્ડની ચિંતા ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા છે. બોલિંગમાં ઇંગ્લેન્ડની આશા ફરી અનુભવી જોડી એન્ડરસન-બ્રોડ પર વધુ નિર્ભર રહેશે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer