ડૉલરની નબળાઈથી સોના-ચાંદી મજબૂત

ડૉલરની નબળાઈથી સોના-ચાંદી મજબૂત
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 9 : સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં સાધારણ ઘટીને ફ્લેટ રહ્યો હતો. અમેરિકી ડોલરની નબળાઇ અને ઘટતા જતા બોન્ડ યીલ્ડનો સોનાને ટેકો મળ્યો હતો. અમેરિકાના ફુગાવાના આંકડાની જાહેરાત ગુરુવારે થવાની છે, બીજીતરફ યુરોપીયન સેન્ટ્રલ બેંકની નાણાનીતિની બેઠક પણ ચાલુ સપ્તાહમાં મળવાની છે એ પૂર્વે સાવધાની વર્તવામાં આવી રહી છે. ચાંદીનો ભાવ આ લખાય છે ત્યારે 27.57 ડોલર હતો. 
કેપિટલ વાયા ઇન્વેસ્ટર એનાલિસ્ટ કહે છે, ટેકનિકલ રીતે સોનું સાંકડી રેન્જમાં અથડાઇ ગયું છે. 1900ની આસપાસ પહોંચતા બજારનો ટોન નકારાત્મક જેવો થઇ ગયો છે. 1912 અને 1918નું સ્તર વટાવવામાં સોનાને સમસ્યા નડી રહી છે. અમેરિકામાં 10 વર્ષના ટ્રેઝરી યીલ્ડ 1.53 ટકા જેટલા નીચે ગયા છે. મહિનાની તળિયાની સપાટી જોવા મળતા સોનાની ખરીદી થોડી વધી છે. જોકે અત્યારે ડોલરની મજબૂતી પણ સોનાને વધતા દેતી નથી. 
ગુરુવારે અમેરિકાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જાહેર થવાનો છે એના પરથી ફેડને નાણાનીતિ અંગેનો ખ્યાલ આવશે. વ્યાજદર ક્યારે વધશે તેનો પણ સંકેત મળી શકે તેમ છે. ગુરુવારે ઇસીબીની બેઠક પણ સોનાને દિશા આપે તેમ છે. 
ચાંદીમાં ઔદ્યોગિક માગ ઘટી ગઇ છે પણ સટ્ટાકિય લે વેચ વધારે છે એટલે વધઘટ તીવ્ર દેખાય છે. ચાંદીના ભાવ સ્થાનિક બજારોમાં ખૂબ ઉંચા થઇ જતા હવે રોકાણકારોની માગ નબળી પડી ગઇ છે. 
ભારતમાં આર્થિક ગતિવિધિઓ નબળી પડી જવાને લીધે અત્યારે સોનાની રોકાણ માગ પણ સાવ પડી ભાંગી છે. હવે અનલોકની પ્રક્રિયા શરું થઇ છે એટલે શો રુમો ખૂલ્યા છે પણ ગ્રાહકો બહુ ઓછી સંખ્યામાં દેખાય રહ્યા છે.મોટેભાગે લોકો જૂનું સોનું વેંચીને નવું કરાવી જાયછે. અથવા આર્થિક ભીંસને લીધે જૂનું સોનું વેંચીને રોકડી કરી રહ્યા છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રુ. 50180 અને ચાંદી રુ. 71200ની સપાટીએ સ્થિર રહી હતી. મુંબઇમાં સોનું રુ.50ના ઘટાડામાં રુ. 48981 અને ચાંદી કિલોએ રુ. 512 ઘટતા રુ. 70814 હતી.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer