છેલ્લાં ત્રણ વર્ષમાં બૅન્કોમાં રૂા. 3.95 લાખ કરોડની છેતરાપિંડી : આરબીઆઈ

છેલ્લાં ત્રણ વર્ષમાં બૅન્કોમાં રૂા. 3.95 લાખ કરોડની છેતરાપિંડી : આરબીઆઈ
મુંબઈ, તા. 9 : છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ બૅન્કોમાં છેતરાપિંડીના કુલ 22,864 કેસ નોંધાયા છે, જેમાં કુલ રૂા.3,95,424.45 કરોડના કૌભાંડ સામેલ છે. જેમાંથી આશરે લગભગ અડધા અર્થાત 11,017 કેસ સરકારી બૅન્કોમાં નોંધાયા હતા. તેમાં રૂા. 2,94,332 કરોડની છેતરાપિંડી થઈ છે. 
વર્ષ 2020-21ના રિઝર્વ બૅન્કના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ત્રણ વર્ષમાં ખાનગી બૅન્કોમાં 8,924 કેસો (રૂા. 86,355 કરોડ રૂપિયા) અને વિદેશી બૅન્કોમાં 2,309 (રૂા. 5,242 કરોડ) ફરિયાદો મળી છે. કુલ રકમના સંદર્ભમાં, કુલ છેતરાપિંડીની ફરિયાદોમાંથી 74.4% ફરિયાદો સરકારી બૅન્કોમાં જ્યારે ખાનગી બૅન્કોમાં 21.8% કેસ નોંધાયા છે. 
આરબીઆઈના જણાવ્યા અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષમાં જાહેરક્ષેત્રની બૅન્કોમાં છેતરાપિંડીના કેસોમાં 21.6% ઘટાડો થયો છે, પરંતુ છેતરાપિંડીનું પ્રમાણ 27.6% વધ્યું છે. 
દરમિયાન, છેલ્લાં ત્રણ વર્ષમાં, ખાનગી બૅન્કોમાં છેતરાપિંડીના કેસોમાં 72.6%નો વધારો થયો છે અને છેતરાપિંડીનું પ્રમાણ આઠ ગણુ વધ્યું છે. ખાનગી બૅન્કો દ્વારા વર્ષ 2018-19માં છેતરાપિંડીના 2,149 કેસ (રૂા. 5,809 કરોડ) નોંધાયા છે. વર્ષ 2019-20માં, છેતરાપિંડીના 3,065 કેસ (રૂા. 34,211 કરોડ) બૅન્કો સમક્ષ નોંધાવ્યા હતા. ગત નાણાકીય વર્ષ 2020-21માં છેતરાપિંડીના કેસો વધીને 3,710 થયા હતાં. જે 46,335 કરોડ રૂપિયાની છેતરાપિંડી સાથે સંબંધિત છે. 
વિદેશી બૅન્કોમાં છેતરાપિંડીના કેસોમાં 31.6%નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ છેતરાપિંડીની રકમમાં 3.47 ગણો વધારો થયો છે. વર્ષ 2018-19માં વિદેશી બૅન્કોમાં છેતરાપિંડીના 762 કેસ (રૂા. 955 કરોડ) નોંધાયા હતાં. જ્યારે 2019-20માં, આ બૅન્કોએ છેતરાપિંડીના 1,021 કેસ (972 કરોડ રૂપિયા) પ્રકાશમાં આવ્યા હતા. ગયા નાણાકીય વર્ષ 2020-21માં, માત્ર 521 કેસ છેતરાપિંડી મામલે નોંધ્યા હતા. 
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer