એલ સાલ્વાડોરમાં બિટકોઈન સત્તાવાર ચલણ બન્યું

એલ સાલ્વાડોરમાં બિટકોઈન સત્તાવાર ચલણ બન્યું
સાન સાલ્વાડોર, તા. 9 : મધ્ય અમેરિકામાં આવેલા એલ સાલ્વાડોરે બિટકોઈનને સત્તાવાર ચલણ તરીકે માન્યતા આપી છે. બુધવારે વહેલી સવારે તેની સંસદે બિટકોઈનને સત્તાવાર ચલણનો દરજ્જો આપવાના પ્રમુખ નયીબ બુકેલેના પ્રસ્તાવને 62 વિ. 19 મતે મંજૂરી આપી હતી. ત્રણ સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. બુકેલે કહ્યું છે તેમનો ઉદ્દેશ નાણાકીય સમાવેશકતાને પ્રોત્સાહન આપવાનો છે. અત્યારે માંડ ત્રીસ ટકા નાગરિકો નાણાકીય સેવાનો લાભ મેળવી શકે છે.
આ ખરડાની જોગવાઈ અનુસાર તમામ વેપારી સંસ્થાઓએ માલસામાન અને સેવાના બદલામાં બિટકોઈન સ્વીકારવાના રહેશે. પરંતુ જે લોકો આ ચંચળ અને અસ્થિર ચલણમાં વ્યવહાર કરવાનું જોખમ ખેડવા ન માગતા હોય તેમને સરકાર પીઠબળ પૂરું પાડશે. ડેવલપમેન્ટ બૅન્ક અૉફ એલ આલ્વાડોરમાં સરકાર એક ટ્રસ્ટ ઊભું કરશે જે બિટકોઈનને તત્કાળ અમેરિકન ડૉલરમાં ફેરવી આપશે એટલું જ નહીં વેપારીનું જોખમ પણ પોતાના પર લઈ લેશે.
``જો આઈક્રીમ પાર્લરવાળો બિટકોઈન સ્વીકારવાનું જોખમ લેવા ન માગતો હોય તો તેણે કાયદેસર બિટકોઈન સ્વીકારવા તો પડશે જ પણ તે સરકારને તત્કાળ એટલા ડૉલર પોતાના ખાતામાં જમા કરવાનું કહી શકશે. તે ઈચ્છે તો પછીથી બજારમાં પણ બિટકોઈનને ડૉલરમાં ફેરવી શકશે, પણ સરકારને તે એમ તત્કાળ કરવાનું કહી શકશે,'' એમ બુકેલે કહ્યું હતું.
એલ સાલ્વાડોરના અધિકારીઓ ટૂંક સમયમાં આઈએમએફને મળીને પોતાની યોજનાની ચર્ચા કરનાર છે.
આ બાબતે ઝેબપેના કો-સીઈઓ અવિનાશ શેખરે કહ્યું કે, આ ઐતિહાસિક ઘડી છે. ધ કોડ (બિટકોઈન) સાતોષી હવે કાયદાકીય ચલણ છે. બિટકોઈન શ્રેષ્ઠ અસ્ક્યામત છે અને વિશ્વમાં અત્યારસુધીનું શ્રેષ્ઠ ટેકનૉલૉજીકલ ઈનોવેશન છે. હવે જોવાનું રહેશે કે બિટકોઈન કઈ રીતે અલ સેલવાડોરના અર્થતંત્ર સાથે સંકલિત થાય છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer