પાલિકાનો દાવો : નાળા-ગટરમાંથી 35 ટકા વધુ ગાળ કાઢ્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : ચોમાસા પૂર્વે નાળા સાફ થયા નથી એવા ભાજપના આક્ષેપ બાદ મુંબઈ પાલિકાએ એવો દાવો કર્યો હતો કે મુંબઈના નાળા-ગટરોમાંથી 3.24 લાખ મેટ્રિક ટન કિચડ કાઢવામાં આવ્યો છે. પાલિકાએ એવો પણ દાવો કર્યો હતો કે નાળા અને ગટરોમાંથી કિચડ કાઢવાનું 104 ટકા કામ ચોમાસા પૂર્વે જ ખતમ કરાયું છે. 
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે અમારો ટાર્ગેટ 3.11 લાખ મેટ્રિક ટન કિચડ કાઢવાનો હતો, પણ અમે મે મહિનાના અંત સુધીમા 3.24 લાખ મેટ્રિક ટન કિચડ કાઢ્યો હતો. નક્કી કરેલી સમયમર્યાદામાં આ કામ પાર પાડવામાં આવેલું. 
ગયા વર્ષ કરતા 35 ટકા વધુ કિચડ કાઢવાનો ટાર્ગેટ ફિક્સ કરાયો હતો. સ્ટોર્મ વૉટર ડ્રેઈન્સ વિભાગે આ કામ કર્યું હતું. લૉકડાઉન હોવાછતાં આ ટાસ્ક પૂરું કરાયું હતું. 
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે આખા વર્ષ દરમિયાન નાળામાંથી 4.13 લાખ મેટ્રિક ટન કચરો કાઢવાનું નક્કી થયું હતું. એમાંથી 3.11 લાખ મેટ્રિક ટન કચરો ચોમાસા પહેલા કાઢવાનો હતો. જોકે, ચોમાસા પહેલા 3.24 લાખ મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. 19 હજાર ટ્રકની હેરાફેરી વડે કચરાનો નિકાલ કરાયો હતો. 
તેમણે કહ્યું હતું કે 43,766 ટન કચરો તળ મુંબઈની ગટરો-નાળામાંથી કાઢવામાં આવ્યો હતો. પૂર્વના પરાંમાંથી 1.6 લાખ ટન અને પશ્ચિમના પરાંમાંથી 1.82 લાખ ટન કચરો કઢાયો હતો.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer