મેટ્રો માટેના કાંજુરમાર્ગના પ્લૉટની કિંમત છે ત્રણ હજાર કરોડ રૂપિયા

મુંબઈ, તા. 9 : જો મહારાષ્ટ્ર સરકાર કાંજુરમાર્ગના 102 એકરના વિવાદિત પ્લૉટ પર ઇન્ટેગ્રેટેડ મેટ્રો કાર શેડ બાંધવા માગતી હોય તો સૉલ્ટ ડિપાર્ટમેન્ટને જગ્યા પેટે બજાર ભાવ મુજબ 3,3356 કરોડ રૂપિયા ચુકવે. 
જાન્યુઆરી 2020ના ડેપ્યુટી સૉલ્ટ કમિશનર (મુંબઈ)એ લખેલા પત્રમાં 2019-20ના રેડી રેકનરના ભાવના આધારે પૈસાની માગણી કરી હતી. 
મંગળવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કાંજુરમાર્ગ પલૉટ અંગેના કેન્દ્ર-રાજ્ય વચ્ચેના વિવાદનો નીવેડો લાવવા વડા પ્રધાનને મળ્યા હતા. 
સૉલ્ટ કમિશનર, જયપુરને લખેલા પત્રમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે સેન્ટ્રલ પૉલિસી ગાઇડલાઇનના નિયમ 17 (જે રેડી રેકનરના દરમાં 15 ટકા જેટલી છૂટ આપે છે) લાગુ કરવામાં આવે તો, બજાર ભાવ ઘટીને 2852 કરોડ રૂપિયા થાય છે. મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) અગાઉ જમીન માટે પૈસા ચુકવવા તૈયાર હતી, જ્યાં એ ત્રણ અલગ મેટ્રો લાઇન 3,4 અને 6 માટે કાર શેડબાંધવા માગે છે. 
એમએમઆરડીએને જે જમીન જોઇએ છે એ આર્થર સૉલ્ટ વર્ક્સ અંતર્ગત આવે છે. આ જમીન 99 વરસના લીઝ પર અપાઈ હતી જેની મુદત 14-10-16માં પૂરી થઈ છે. ત્યાર બાદ લીઝની મુદત વધારવામાં આવી નહોતી, એમ ડેપ્યુટી સૉલ્ટ કમિશનરના પત્રમાં જણાવાયું હતું. 
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer