પહેલા જ વરસાદમાં પાલિકાના નાળાસફાઇના દાવા ઉઘાડા પડયા : શેલાર

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : શિવસેનાના વર્ચસ હેઠળની મુંબઈ પાલિકા દ્વારા નાળા, કલવર્ટ, સીવરેજ (મલનિસારણ) લાઇન અને ખુલ્લી ગટરોની સફાઇમાં મોટાપાયે ગેરરીતિ આચરવામા આવી હતી. તે મુંબઈમાં વરસાદના પ્રથમ દિવસે જ ઉઘાડુ પડી ગયુ છે એવો આક્ષેપ ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આશિષ શેલારે જણાવ્યુ છે.
શેલારે આજે જણાવ્યુ છે કે શિવસેનાના વર્ચસ હેઠળની મુંબઈ પાલિકાએ દાવા કર્યો હતો કે ચોમાસા પહેલા નાળા, કલવર્ટ, સીવરેજ લાઇન અને ખુલ્લી ગટરોનુ 104 ટકા સફાઈ કામ કરવામાં આવ્યુ છે. ચોમાસાની શરૂઆતમાં ભારે વરસાદ પડતાં મુંબઈમાં આજે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુંબઈમાં દર વર્ષે ચોમાસા પહેલા નાળા, સીવરેજલાઇન, કલવર્ટ અને ખુલ્લી ગટરોમાંથી કચરો-કિચડ કાઢવા માટે લગભગ 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. આ પ્રકારે કોન્ટ્રાક્ટરો, પાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચેની `િમલીભગત'ને કારણે પાંચ વર્ષમાં પાલિકાની તિજોરીને 1000 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે અમે આ કામગીરીમાં કિચડ બહાર કાઢવામાં આવ્યા હોવાના પુરાવા માંગ્યા હતા. આમ છતા સત્તાવાળાઓ કોન્ટ્રાક્ટરોને ટેકો આપતા હતા એમ શેલારે ઉમેર્યુ હતુ.
ભાજપના આશિષ શેલારે નાળા સફાઈના કામની સમીક્ષા કર્યા બાદ એવો આક્ષેપ કર્યો હતો કે પાલિકામાં શાસક પક્ષે નાળા સફાઈના નામે હાથ સફાઈ કરી છે. તેમણે કહ્યું હતું કે નાળા સફાઈનું કામ 104 ટકા અમે પૂર્ણ કર્યું છે એવો પાલિકાનો દાવો હાસ્યસ્પદ છે. જો આ દાવો ખોટો પુરવાર થશે તો નાળાનો કચરો અમે એડિશનલ કમિશનર પી. વેલરાસુના ઘરની બહાર નાખીશું. પાલિકા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.
કોન્ટ્રેક્ટરોના બિલ પાસ કરાવવાના ઈરાદે પાલિકા નાળા સફાઈનું કામ 100 ટકા થઈ ગયાનો દાવો કરે છે. પાલિકા પ્રશાસન નિષ્ફળ ગયું છે અને તેમના દાવાને ખુલ્લા પાડીશું.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer