અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

મુંબઈ, તા.9 :  મહારાષ્ટ્રમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. બુધવારે મુંબઈ પહેલા વરસાદથી જ પાણી..પાણી..થઈ ગયું હતું. રસ્તાઓ અને રેલવે પાટા પાણીમાં ડૂબી જતાં વાહન વ્યવહાર અને ટ્રેન સેવા અસરગ્રસ્ત બની હતી. હવામાન વિભાગે આગામી ર4 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બે દિવસ માટે રેડ એલર્ટ અને ચાર દિવસ માટે અૉરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.
વેધશાળાએ કહ્યું હતું કે પહેલી જૂનથી બુધવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં સાંતાકૃઝમાં 220 મિલિમિટર (આશરે નવ ઈંચ) જ્યારે તળ મુંબઈમાં 137.8 મિમિ (આશરે સાડા છ ઈંચ) વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્રના શેષ ભાગોમાં પણ આવતા બે-ત્રણ દિવસમાં ચોમાસું બેસી જવાની વેધશાળાએ આગાહી કરી છે. 
પોલીસે કહ્યું હતું કે નેતાજી પાલકર ચોક, એસવી રોડ, બહેરામબાગ જંકશન, સક્કર પંચાયત ચોક, નીલમ જંકશન, ગોવંડી, હિન્દમાતા, ઈકબાલ કામાની જંકશન,ધારાવી રેસ્તોરાં, ધારાવી-સાયન જંકશન, કિંગ્ઝ સર્કલ સહિત અનેક વિસ્તારો જળબંબોળ થયા હતા. પોલીસે લોકોને આ વિસ્તારો ટાળવાની સુચના આપી હતી. હિન્દમાતા વિસ્તારમાં તો બેથી ત્રણ ફુટ પાણી ભરાયા હતા. દહિસર ચેકનાક પાસે પણ પાણી ભરાયાં હતા. 
લાલબાગ-પરેલ સહિત અને વિસ્તારોમાં ભરાયેલા પાણીને ઉલેચવા પંપનો ઉપયોગ કરાયો હતો. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રશાસનને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ કરવાના આદેશ આપ્યા હતા.
 ઠાકરે મુંબઈના કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને સ્થિતિની સમિક્ષા કરી હતી.  એ ઉપરાંત તેમણે થાણે, પાલઘર, રત્નાગિરિ, સિંધુદુર્ગના કલેકટરો સાથે પણ ફોન પર વાત કરી હતી.
હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં દરિયામાં 4.16 મી.ઉંચા મોજા ઉછળી શકે છે જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. આઈએમડી મુંબઈના ના.મહાનિર્દેશક ડૉ.જયંત સરકારે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આ વર્ષે એક દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. ચોમાસુ 10 જૂને પહોંચવાની સંભાવના હતી. પ્રિ મોનસુન વરસાદ સારો પડયો છે. ભારે વરસાદને પગલે રેલવે તંત્ર એલર્ટ પર મુકાયુ છે. 
બુધવારના વરસાદને કારણે અનેક ટ્રેનો મોડી દોડી તો પાટા ઉપર પાણી ભરાઈ જવાથી સમસ્યાઓ સર્જાઈ છે.
Published on: Thu, 10 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer